જાહેરમાં ફટકારવા માટે ડેપ્યુટી SP સહિત 33 પોલીસને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી

PC: khabarchhe.com

જૂનાગઢમાં યુવકોને જાહેરમાં ફટકારવાના કેસમાં હવે  પોલીસ અધિકારી સહિત 33 જેટલા પોલીસવાળા ફસાઇ ગયા છે. હાઇકોર્ટે તેમને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

જૂનાગઢ શહેરની દરગાહમાં મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવાની ઘટનાની ગુજરાત હાઈકોર્ટે કડક નોંધ લીધી છે. કોર્ટે ડેપ્યુટી SP સહિત 33 પોલીસકર્મીઓને નોટિસ પાઠવીને 7 ઓગસ્ટ સુધીમાં તેમની રજૂઆતો કરવા જણાવ્યું છે.

જૂનાગઢ શહેરમાં દરગાહ હટાવવાની નોટિસ બાદ થયેલી હિંસાના મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે 33 પોલીસકર્મીઓને કથિત રીતે જાહેરમાં હિંસા બાદ ધરપકડ કરાયેલા લોકોને બેલ્ટ વડે માર મારવા બદલ નોટિસ પાઠવી છે. જેમાં જૂનાગઢના ડેપ્યુટી SPનો પણ સમાવેશ થાય છે. હાઈકોર્ટે તમામ પોલીસકર્મીઓ પાસેથી જવાબ માંગ્યા છે. હાઈકોર્ટના જસ્ટિસ એએસ સુપિહિયા અને જસ્ટિસ એમઆર મેંગડેની બેન્ચે બે વ્યક્તિઓની અરજી પર નોટિસ જારી કરીને 7 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.અરજીમાં પોલીસકર્મીઓ પર કસ્ટડીમાં હિંસા, ટોર્ચર, મારપીટ અને જાહેરમાં બેલ્ટ વડે માર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે 7 ઓગસ્ટ સુધીમાં હાલની તિરસ્કારની અરજી પર જવાબી એફિડેવિટ દાખલ કરો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે એક નાયબ પોલીસ અધિક્ષક, ત્રણ ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટર સહિત 33 પોલીસકર્મીઓએ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને કોર્ટનો તિરસ્કાર કર્યો છે. કોર્પોરેશન દ્વારા મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને હટાવવાની નોટિસને લઈને જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે હિંસા થઈ હતી.

હિંસા બાદ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં દરગાહની બહાર ઉભા રહીને બે લોકોએ મોઢા પર કપડું બાંધીને યુવકને માર માર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. અરજદારોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે કોર્ટે પ્રતિવાદીઓને આરોપોના જવાબ સાથે એફિડેવિટ દાખલ કરવાની સુચના આપી છે. આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે.

જૂનાગઢ શહેરમાં 16મી જૂનની સાંજથી રાત સુધી હિંસા અને હંગામો થયો હતો. જેમાં પોલીસે બસો જેટલા લોકોની અટકાયત કરી હતી. ઝાકીર યુસુફભાઈ મકવાણા અને સાજીદ કલામુદ્દીન અન્સારીએ યુવકોને જાહેરમાં માર મારવાના મામલે હાઈકોર્ટેના દરવાજા ખટખટાવ્યા હતા બંનેએ પોતાની અરજીમાં જૂનાગઢ પોલીસના અધિકારીઓ પર ડી. કે. બસુ મામલે સુપ્રીમ કોર્ટ દ્રારા  નિર્ધારીત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરાયાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp