હરિધામ સોખડા: ત્યાગ વલ્લભ સ્વામી બિલ્ડર સાથે મળીને 33 કરોડ ચાઉં કરી ગયાનો આરોપ

PC: divyabhaskar.co.in

અક્ષરપુરુષોત્તમ મંદિરના તાબા હેઠળ કામ કરતા સર્વોદય કેળવણી સમાજ હરિધામ સોખડા ટ્રસ્ટની આત્મીય યુનિવર્સિટીના કર્તાહર્તા ત્યાગ વલ્લભ સ્વામીએ બિલ્ડર સાથે મળીને 33 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભૂતિયા કર્મીઓ ઊભા કર્યા, બોગસ બેંક એકાઉન્ટમાં સેલરી નખાવી 33 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે અને પાછી આ ફરિયાદ એક સેવકે જ કરી છે. ત્યાગ વલ્લભ સ્વામી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે ત્યાગ વલ્લભ સ્વામીએ આ આક્ષેપોને નકાર્યા છે.

28 વર્ષથી તમામ ધાર્મિક સંસ્થાઓના સ્થાપક ગુરુ હરિપ્રસાદદાસજીનાપર્સનલ આસિસ્ટન્ટ તરીકે, સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક તરીકે અને છેલ્લાં 1 વર્ષથી આત્મીય વિદ્યાધામમાં રહેતા હોવાનો દાવો કરનાર પવિત્ર હર્ષદરાય જાનીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટીના કર્તાહર્તા ત્યાગ વલ્લભ સ્વામી સહિત 4 સામે 33.26 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પવિત્ર હર્ષદરાય જાનીએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટ દ્રારા સંચાલિત છે.સર્વોદય કેળવણી સમાજ હરિધામ સોખડા અક્ષરપુરુષોત્તમ મંદિરના તાબા હેઠળ આવતાં અનેક ટ્રસ્ટોમાંનું એક ટ્રસ્ટ છે.સંસ્થાના સ્થાપર હરીપ્રસાદ દાસના સેવકો અને શ્રધ્ધાળુઓ જે દાન કરતા હોય છે તેમાંથી જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલી છે.

જાનીએ ફરિયાદમાં કહ્યું છે કે, 1986થી પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર પર પ્રમુખ તરીકે આજ સુધી હરિપ્રસાદ સ્વામીનું નામ ચાલતું આવેલું છે. પરંતુ ત્યાગ વલ્લભ દાસ સેક્રેટરી હોવાને કારણે આત્મીય યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો આર્થિક વહીવત 1986થી સંભાળે છે. જાનીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે અમે ઓડિટ રિપોર્ટ અને બેંક સ્ટેટમેન્ટસ ખંગોળ્યા ત્યારે ચોંકાવનારી વાત સામે આવી હતી.

જાનીએ ફરિયાદમાં કહ્યું કે, અગત્યના દસ્તાવેજોને આધારે જાણવા મળ્યું કે સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી ત્યાગ વલ્લભ સ્વામી, હાલના ટ્રસ્ટી ધર્મેશ જીવાણી, વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણાએ એકબીજાના મેળાપીપણામાં સર્વોદય કેળવણી સમાજ ટ્રસ્ટના 33.26 કરોડની ઉચાપત કરી છે.

પવિત્ર જાનીએ છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી તેની પણ માહિતી આપી છે. તેમણે કહ્યેં કે ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતિયાઓએ એક આત્મીય ટેક ઉત્કર્ષ નામથી બોગસ એકાઉન્ટ SBIમા ખોલાવ્યું હતું. સર્વોદય ટ્રસ્ટની રકમ કટકે કટકે ઓળવીને 3 કરોડ 36 લાખ રૂપિયા આત્મીય ટેક ઉત્કર્ષના ખાતામાં જમા કરાવીને ઉપાડી લીધા હતા પાછા પોતાની એક ખાનગી કંપની ઇન્ફિનિટી વર્ક્સ ઓમની ચેનલમાં જમા કરાવી દીધા હતા. ઇન્ફિનિટી વર્કસ એ ધર્મેશ, વૈશાખી અને નિલેશ મકવાણીની માલિકીની છે.

પવિત્ર જાનીએ ફરિયાદમાં કહ્યું છે કે ત્યાગ વલ્લભ સ્વામીએ 2014થી અત્યાર સુધીમાં સર્વોદય કેળવણી સમાજ દ્રારા સંચાલિત જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં ભૂતિયા કર્મચારીઓ ઉભા કર્યા હતા. જે માણસ સંસ્થામાં નોકરી જ ન કરતો હોય તેવા લોકોને કર્મચારી બતાવી તેમના નામે બેંકોમાં ખાતા ખોલાવીને રકમ જમા કરાવવામાં આવતી અને એ રકમ પછી ઉપાડી લેવામાં આવતી અને રિઅલ એસ્ટેટના બિઝનેસમાં રોકાણ કરી દેવામાં આવતી હતી.

જાનીએ આરોપ લગાવ્યો છે કે ત્યાગ વલ્લભ સ્વામીએ ટ્રસ્ટમાંથી જુદા જુદા સમયે બેંકોમાંથી મોટા પાયે રોકડ રકમ  ઉપાડી છે અને તેમાંથી એક રૂપિયો પણ  કોઇ કર્મચારીને ચુકવ્યો નથી. ત્યાગ વલ્લભ સ્વામીઅ ભૂતિયા કર્મચારીઓના નામે અને ગેરકાયદે રોકડ વ્યવહાર કરીને 30 કરોડ રૂપિયાની ઉચાપત અંગત ઉપયોગ માટે કરી છે.

પવિત્ર જાનીએ તમામ દસ્તાવેજો પોલીસ સમક્ષ રજૂ કર્યા છે જેને આધારે રાજકોટ તાલુકા પોલીસે ત્યાગ વલ્લભ સ્વામી, ધર્મેશ જીવાણી, વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણા સામે IPC કલમ 406, 420, 120(બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ કરી રહેલા  ACP બી. જે. ચૌધરીએ કહ્યું કે અત્યારે તપાસ ચાલી રહી છે.

પવિત્ર જાનીની ફરિયાદ પર પોતાની પ્રતિક્રીયા આપતા ત્યાગ વલ્લભ સ્વામીએ કહ્યુ કે, આ આરોપો ખોટા અને પાયાવિહોણાં છે. પવિત્ર જાની સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્વામીએ કહ્યુ કે સંસ્થામાં સી. એ. દ્રારા રિપોર્ટ ઓડિટ કરવામાં આવતા હોય છે અને એ રિપોર્ટ સરકારના જે તે વિભાગમાં મોકલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp