રાજકોટઃ ચિક્કાર દારૂ પીધેલા PSIએ છોકરીની સાયકલને ટક્કર મારી,લોકોએ ફટકાર્યો,VIDEO

ગુજરાતીમાં એક કહેવત છે ‘વાડ જ ચિભડાં ગળે’ તો કોને કહેવા જવું. અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર 9 અકસ્માતમાં 9 લોકોના મોત પછી રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે અભિયાન ચલાવી રહેલી પોલીસ બેફામ વાહનો ચલાવનાર સામે કાર્યવાહી કરી રહી છે અને જાહેરમાં ફટકારી રહી છે. હવે રાજકોટમાં ચિક્કાર દારૂ પીને કાર ચલાવતો PSI પકડાયો છે.
નશામાં ધૂત આ પોલીસે એક સગીરાને અડફેટે લીધી હતી અને તેણીની સાયકલનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો હતો. લોકોના ટોળાએ PSIને બરાબરનો મેથીપાક આપ્યો હતો.સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.PSI બકવાસ સાંભળીને ટોળાને વધારે ગુસ્સો આવ્યો હતો.
#રાજકોટ: નશામાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત !!!
— Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) July 30, 2023
સાયકલ પર જતી કિશોરીને લીધી અડફેટે, સદનસીબે કિશોરીનો બચાવ
અકસ્માત સર્જનાર પોલીસકર્મી ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવે છે
અકસ્માત બાદની બકવાસ તો સાંભળો..#Gujarat #Rajkot #Bhuj #Accident #GujaratPolice #ViralVideos pic.twitter.com/fBh3cWWPRP
જાણવા મળેલી વિગત મુજબ પોલીસ કર્મચારી લક્ષ્મીનારાયણ વ્યાસ ભૂજ પોલીસમાં વાયરલેસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવે છે. શનિવારે PSI લક્ષ્મીનારાયણ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક કારમાં પસાર થઇ રહ્યો હતો. એ વખતે પોતાની સાયકલ પર જઇ રહેલી 17 વર્ષની સગીરાને PSIની કારે ટક્કર મારી હતી. સદનસીબે સગીરા બચી ગઇ છે, પરંતુ તેણીને ઇજા થઇ છે. અકસ્માત કરીને આ નફ્ફટ PSI ભાગવાની કોશિશ કરતો હતો, પરંતુ એ પહેલાં લોકોના ટોળાએ તેને પકડી લીધો હતો અને ટોળાએ પોતાના હાથ સાફ કરી લીધા હતા. બધાએ ભેગા મળીને PSIની પિટાઇ કરી હતી.
PSI લક્ષ્મીનરાયણ એટલો ચિક્કાર પીધેલો હતો કે તેના પગ પણ લથડીયા ખાતા હતા. શરૂઆતમાં તો તેણે પોલીસ તરીને રોફ ઝાડ્યો હતો. પરંતુ જેવો મેથીપાક પડ્યો તેવો માફી માંગવાનું શરૂ કરી દીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસે PSI લક્ષ્મીનારાયણ વ્યાસની ધરપકડ કરી છે અને વિવિધ કલમો હેઠળ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ACP ભાર્ગવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, શનિવારે રાત્રે ભૂજ પોલીસના PSIએ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે. PSI લક્ષ્મીનારાયણ વ્યાસની ધરપકડ કરી લેવામા આવી છે. ACPએ કહ્યું કે PSI દારૂ પીધેલી હાલતમાં હોવાનું તપાસમાં જણાયું છે અને ઘટનાની ગંભીરતા જોતા તેની સામે સાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરવામાં આવી છે. તેમણે કહ્યું કે, એક તરફ DGPના આદેશથી રાજ્યભરમાં ડિંક એન્ડ ડ્રાઇવ અને બેફામ વાહન ચલાવતા લોકો સામે પોલીસ અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ પોલીસ કર્મચારી જ દારૂ પીને બેફામ વાહન ચલાવે તે ગંભીર બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp