અમરેલી-રાજુલામાં મુશળધાર વરસાદ, નદી બે કાંઠે, પૂરમાં 5 લોકો ફસાયા

PC: gujaratijagran.com

ગુજરાતમાં હજુ તો સત્તાવાર ચોમાસાના કોઇ એંધાણ નથી તેવા સમયે કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજુલા બાબરીધાર વિસ્તારમાં તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જાણે એમ લાગે કે ચોમાસું આવી ગયું છે. ભારે વરસાદને કારણે બાબરીધારની ઘીયળ નદી બે કાંઠે વહેતી થઇ છે અને નદીમાં ઘોડાપુર આવતા એક ટ્રક અને 5 લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે GRDના જવાનોએ ફસાયેલા પાંચેયને સહીસલામત બહાર કાઢી લીધા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં 3 દિવસ સુધી વરસાદ પડશે. રવિવારે દક્ષિણ ગુજરાતમા પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉનાળામાં આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્કયુલેશનને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે. રવિવારે કચ્છ, અંજાર, ભુજમાં સતત પાંચમાં દિવસે વરસાદ પડ્ય હતો તો અમરેલી રાજુલા બાબરીધાર વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અમરેલીના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાને કારણે ખેડુતાનો પાકને નુકશાન થયું છે. રવિવારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો વલસાડ,તાપી અને સુરત જિલ્લામાં થોડો થોડો વરસાદ પડ્યો હતો. એક તરફ વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે, પરંતુ બીજી તરફ ખેડુતોને મોટા નુકશાનની ચિંતા સતાવી રહી છે.

ડાંગ જિલ્લાના સાપુતારામાં વરસાદ પડવાને કારણે સહેલાણીઓને મજા પડી હતી તો ખેડુતોએ ડુંગળીનો પાક બચાવવા માટે દોડાદોડી કરવી પડી હતી.ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરીએ તો અરવલ્લી, દાહોદ, મહિસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં આ સ્થળોએ વરસાદ પડવાની પડવાની સંભાવના છે. જેમાં 1લીમેના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

2જી મેના દિવસે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી અને અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે.3જી મેના દિવસે અમદાવાદ, મધ્ય ગુજરાત, દાહોદ, દક્ષિણ ગુજરાત, ભાવનગર- અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. મતલબ કે આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રના ભાવનગર- અમરેલીમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp