26th January selfie contest

ગુજરાતઃ મત્સ્ય પરિયોજનાના નિરીક્ષણ પર ગયેલા IAS અધિકારીને બંધક બનાવીને માર્યા

PC: twitter.com/nitinsangwan

સાબરકાંઠા જિલ્લામાં ધરોઇ ડેમ નજીક એક ગામમાં માછલી પકડવાની ગતિવિધિઓ સાથે જોડાયેલાના ટોળાએ ભારતીય પ્રશાસનિક સેવા (IAS) અધિકારી નીતિન સાંગવાનને કથિત રીતે બંધક બનાવી લીધા અને તેમની સાથે મારામારી કરી. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. એવી શંકા છે કે, એક મત્સ્ય પરિયોજનામાં કથિત અનિયમિતતાઓની જાણકારી મળવાના કારણે આ ઘટના ઘટી છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક (DSP) વિશાલ વાઘેલાએ કહ્યું કે, મત્સ્ય ડિરેક્ટરના રૂપમાં કાર્યરત નીતિન સંગવાન સોમવારે (6 માર્ચના રોજ) પોતાના અધિનસ્થ કર્મચારીઓ સાથે ગામની મુલાકાતે હતા.

ત્યારે જ તેમના પર હુમલો થયો અને ઇજા થઈ, પરંતુ હવે તેઓ જોખમથી બહાર છે. તેમણે કહ્યું કે, IAS અધિકારી પર હુમલામાં કથિત સી સંડોવાવાના આરોપમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ 3 લોકોની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવાનો પ્રયાસ કર્યો છે. આરોપીની ઓળખ બાબુભાઈ લેબભાઈ પરમાર, (રહે. કંથાપુર, તાલુકો-ખેડબ્રહ્મા જિલ્લો-સાબરકાંઠા), દીલિપ ઉજમાભાઈ પરમાર (રહે. કંથાપુર તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો-સાબરકાંઠા), રાજુ રેશમાભાઈ ગમાર (રહે. અડેરણ તાલુકો-દાંતા જિલ્લો-બનાસકાંઠા), નિલેષ હરીભાઈ ગમાર (રહે. અડેરણ તાલુકો-દાંતા જિલ્લો-બનાસકાંઠા), રાહુલ જેનુ આખું નામ ઠામ ખ્યાલ નથી. તથા અન્ય 10 થી 12 લોકો.

ઉલ્લેખનીય છે કે, આ એ જ IAS અધિકારી નિતીન સાંગવાન છે કે, જેમને ગુજરાત સરકાર દ્વારા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના દુરુપયોગને લઈ મહત્ત્વની તપાસ સોંપવામાં આવી હતી. મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ ગાંધીનગરથી ધરોઈ ડેમ પર ઈન્સપેક્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વડાલીના અંબાવાડા ગામ નજીક અધિકારી નિતીન સાંગવાન પર હુમલાની ઘટના ઘટી હતી. અધિકારીઓની ટીમ બોટ માર્ફતે ધરોઈ ડેમ પહોંચી હતી અને જ્યાં સરકારી સબસિડીની રકમથી ફિશિંગ કરવા માટેના કેઝની ગણતરી હાથ ધરી હતી. જેમાં કેટલીક અનિયમિતતા જણાઈ હતી.

સરકાર પાસેથી સબસિડી મેળવવામાં આવી હતી, એ પ્રમાણે સ્થળ પર ફિશિંગ કેઝ ઉપસ્થિત હોવાને લઈ શંકા ગઇ હતી. સાથે જ સબસિડી રકમ અને મત્સ્ય ઉત્પાદન વચ્ચે પણ મોટો તફાવત જોવા મળતા વધુ શંકાઓ ઉત્પન્ન થઈ હતી. જેને લઈ અધિકારી નીતિન સાંગવાન દ્વારા અનિયમિતતાની પૂર્તતા કરવા માટે જણાવ્યું હતું. દરમિયાન નિલેષ ગમાર નામના વ્યક્તિએ નીતિન સાંગવાનના ઘૂંટણના ભાગે પગે બચકુ ભર્યું હતું. પોતાના વિરુદ્ધમાં કાર્યવાહી થવાના ડરથી આરોપી નિલેષે હુમલો કર્યો હતો.

તેની સાથે હાજર અન્ય 4 લોકોએ પણ તેને મદદ કરીને હુમલો કર્યો હતો. પોલીસને બોલાવવા માટે ફોન કરતા મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઈન્સ્પેક્શન કરી રહેલા અધિકારી નીતિન સાંગવાનને જીવતા પાણીથી બહાર જવું હોય તો માફીનામુ લખી આપવા માટે ધમકીઓ આપી હતી. આરોપીઓએ અધિકારીને ડેમના પાણીમાં નાંખી દેવાની ધમકી પણ આપી હતી. જીવતા બહાર જવું હોય તો લખાણ લખાવી લીધું હતું કે, આ અંગે સમાધાન થઈ ગયું છે અને જેની પોલીસમાં ફરિયાદ કરીશ નહીં.

નીતિન સાંગવાનને બળજબરી પૂર્વક લખાણ લખાવીને તેની પર સહીઓ કરાવી લીધી હતી. આરોપીઓએ આ દરમિયાન વધુ 10-12 અધિકારીઓને બોલાવીને પાણીમાં ધાકધમકીઓ આપીને લખાણ લખાવ્યું હતું. અધિકારી પર હુમલાના કારણે તેઓ ઘટનાસ્થળ પર જ બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન અન્ય અધિકારીઓએ સૂઝબૂઝ વડે અન્ય બોટની તાત્કાલિક વ્યવસ્થા કરીને ખાટલામાં સૂવડી તેમને બોટ વડે કિનારા પર લઈ આવીને નજીકમાં મહેસાણાના સતલાસણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp