ગુજરાતના વેપારીઓએ પાછું મોકલ્યું ચાઇનીઝ લસણ, જાણો કારણ
હાલમાં રાજ્યમાં ટામેટાં બાદ લસણની કિંમત ઘણી વધી ગઇ છે. તો જામનગરના હાપા માર્કેટના એક વિવાદે ભારે ચર્ચા જગાવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચાવા આવ્યું હતું. જેનો ચાઈનીઝ લસણનો વેપારીઓએ વિરોધ કર્યો છે. વેપારીઓને જાણ થતા પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પાછું મોકલવામાં આવ્યું છે. અંદાજિત સવા લાખના લસણની ખરીદી ન કરીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એ સિવાય દેશના ખેડૂતોને નુકસાની ઉઠાવવાનો વારો ન આવે તે માટે સરકારને પણ તકેદારી રાખવાની અપીલ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણની 50 ગુણોમાં આવેલો માલ પાછો મોકલવામાં આવ્યો છે. ચાઇનીઝ લસણ પ્રતિબંધિત હોવા છતા વેચાણ માટે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હતું. ત્યારબાદ વેપારીઓને ધ્યાને આવતા હરાજીનો વિરોધ નોંધાવી લસણ પાછું મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઇના દ્વારા આ લસણને દુબઈ માર્ફતે ફ્રી ડ્યુટીથી ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે અને મુંબઈથી ભારતના જુદા-જુદા વિસ્તારોમાં અને યાર્ડમાં આ ચાઇનીઝ લસણનું વેચાણ કરવા મોકલવામાં આવી રહ્યું છે.
ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રતિબંધિત આ ચાઇનીઝ લસણને પાછું મોકલવામાં આવી રહ્યું છે અને જેને લઇને આજે પહેલી વાર જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ પણ વિરોધ નોંધાવી લસણની ખરીદી કરી નહોતી અને ચાઇનીઝ લસણનો બહિષ્કાર કર્યો હતો. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, હાપા યાર્ડમાં લોધિકા ગામના ખેડૂત ગાંડુભાઈ સામજી પરમાર 50 ગુણ લસણ લઈને આવ્યા હતા. હરાજી વખત વેપારીઓનું ધ્યાન લસણ પર જતા તેનો આકાર અને કદ અલગ લાગ્યું હતું. ત્યારબાદ ચાઇનીઝ લસણ હોવાનું ધ્યાનમાં આવતા અન્ય ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ખેડૂત લસણને પરત લઈ ગયો હતો.
હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસોના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો માલ વેચવા માટે આવતા હોય છે. જેને લઇને બે દિવસ અગાઉ 247 ખેડૂતો કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, અજમો સહિતની જણસોના વેચવા માટે આવ્યા હતા. માર્કેટિગ યાર્ડમાં 8,867 જુદી જુદી જણસ આવી હતી. જેમાં સૌથી વધુ લસણ ઉપરાંત ઘઉની આવક થઇ હતી. 2,673 મણ લસણ યાર્ડમાં આવ્યું હતું.
એ સિવાય લસણની 2,160 રૂપિયા સુધીની કિંમત પણ બોલાઇ હતી. એ ઉપરાંત 122 મણ મગફળીની આવક પણ થઈ હતી. મગફળીના 1100-1,400 રૂપિયા સુધીની કિંમત બોલાઇ હતી. બીજી તરફ ચાલુ વર્ષે જીરાના જામનગર માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ તોડ ભાવ બોલાયા હતા, જેના કારણે મોટાભાગના ખેડૂતોએ જીરાનું વેચાણ કરી નાખ્યું છે. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં જીરાના 9000-11,625 રૂપિયા સુધીની જેટલા દીઠ કિંમત બોલાઇ હતી અને આજે જીરાની માર્કેટિંગ યાર્ડમાં 77 ગુણો આવક થઈ હતી. અહીં 29 ખેડૂતો જીરું વેચવા આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp