‘બાપા ગયા, બાપા ગયા’ એવો વીડિયો વાયરલ થયેલો મોતને હાથતાળી આપીને પાછા આવ્યા બાપા

PC: zeenews.india.com

જૂનાગઢમાં શનિવારે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એવો અવાજ સંભળાઇ રહ્યો હતો કે ‘એ બાપા ગયા, બાપા ગયા.’ ધસમસતા પાણીમાં એક વ્યકિત તણાઇ ગયા હતા અને કારને પકડીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે આ વીડિયો વાયરલ થયો હતો, પરંતુ 57 વર્ષના એ વ્યકિત મોતને હાથતાળી આપીને પાછા આવ્યા છે.પૂરઝડપે વહેતા પાણીનો એ વીડિયો જેણે જોયો તેમને વિશ્વાસ જ નથી આવતો કે આ બાપા કેવી રીતે બચી ગયા?  પરંતુ ચમત્કારો આજે પણ બનતા રહે છે. રામ રાખે તેને કોણ ચાખે તેમ જૂનાગઢમાં આ માણસે મોતને માત આપી દીધી છે.

જુનાગઢમાં શનિવારે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાહનો, પશુ, લારીઓ  તણાઇ ગયા હતા. જુનાગઢમાં પાનની દુકાન ચલાવતા વિનોદભાઇ ટેકચંદાણી દુકાનેથી ઘરે આવતા પાણીમાં ફસાયા હતા.વિનોદભાઇ બે કલાક પાણી સામે ઝઝુમ્યા અને આખરે જીવતા ઘરે આવ્યા. તેમણે કહ્યું કે, આ ઇશ્વરનો ચમત્કાર છે, મને પોતાને બચવાની કોઇ આશા નહોતી. બે કલાકમાં  જેટલાં ભગવાન યાદ આવ્યા બધાને યાદ કરી લીધા. હું ઇશ્વરનો આભારી છું કે મારો જીવ બચી ગયો. જ્યારે વિનોદભાઇ ટેકચંદાણી કમર સુધીમાં પાણીમાં જીવ બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે શનિવારે એક વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો, જેમાં અવાજ હતો કે એ ‘બાપા તો ગયા, બાપા તો ગયા.’ એ બાપા વિનોદભાઇ હતા.

57 વર્ષના વિનોદભાઇનો જીવ બચી ગયો પછી તેમણે મીડિયા સમક્ષ પોતાની આપવીતી કહી હતી, જે તેમના જ  શબ્દોમાં જાણો. હું શનિવારે બપોરે જમવા માટે મારી પાનની દુકાનેથી ઘરે જવા મારી સાયકલ લઇને નિકળ્યો હતો. આ વિસ્તારમાં સામાન્ય રીતે વરસાદ પડે તો લગભગ દોઢ ફૂટ જેટલું પાણી ભરાતું હોય છે, એની મને ખબર હતી. પરંતુ કાળવા નદીનું પાણી પુલ પરથી વહેવા માંડ્યું અને દિવાલ તુટી ગઇ એ વાતની મને ખબર નહોતી. અચાનક પાણી એટલું બધું વધી ગયું કે મારી સાયકલ ચાલી શકતી નહોતી એટલે સાયકલને ઉપાડીને હું ચાલતો નિકળ્યો હતો. થોડી સ્પેસ મળી એટલે  એક વકીલના ઘરે સાયકલ મુકીને ચાલતો ફરી ઘરે જવા નિકળ્યો. આગળ જતા જોયું તો એક કાર તણાઇને આવતી હતી. જીવ બચાવવા મેં કારને પકડી તો સાથે હું પણ તણાવા લાગ્યો હતો. ત્યારે બધા ભગવાને યાદ કરી લીધા હતા.

એવામાં ખેતરમાં એક ઝાડ હાથમાં આવી ગયું અને માટીમાં પગ ખુંપાવીને રાખ્યા. લગભગ બે કલાક સુધી હું સઘર્ષ કરતો રહ્યો હતો. મને રીતસરનું મોત નજર સામે દેખાતું હતું, પરંતુ ખબર નહી, કેમ જાણે મારામાં એવી ગજબની હિંમત આવી ગઇ કે હું જિંદગી અને મોત વચ્ચે લડાઇ કરતો રહ્યો. 47 વર્ષ એટલે કે 1986 પછી પહેલીવાર મેં પાણીનું આટલું રૌદ્ર રૂપ જોયું. ઇશ્વરે જ મને બચાવ્યો, બાકી પાણીનો જે પાવર હતો, તેમાં જીવ બચાવવો શક્ય નહોતો. એ પછી 15-20 લોકો મારી મદદે આવ્યા અને જ્યાં ઓછું પાણી હતું ત્યાંથી મને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો.

વિનોદભાઇ જ્યારે પાણીમાં જિંદગી અને મોત વચ્ચે લડાઇ લડતા હતા ત્યારે એ વીડિયો વાયરલ થયો હતો અને રેસ્કયુ ટીમ સુધી આ વીડિયો પહોંચ્યો એટલે વિનોદભાઇને મદદ મળી અને તેમને સહીસલામત ઘરે પહોંચાડવામાં

આવ્યા.

વિનોદભાઇના પરિવારને તો બિલકુલ માહિતી નહોતી કે તેઓ પાણીમાં ઝઝુમી રહ્યા છે, જ્યારે તેમનું રેસ્કયુ કરવામાં આવ્યું ત્યારે પત્ની અને બાળકોને જાણ થઇ. પત્નીએ પણ પતિ હેમખેમ પાછા આવતા ભગવાનનો આભાર માન્યો હતો.

ખરેખર, વિનોદભાઇ જે રીતે પાણીના પ્રવાહમાં ફસાયા હતા, તેમા ભલભલાને ભરપાણીમાં પરસેવો વળી જાય, પરંતુ તેમણે હિંમત ન હારી અને બચી શક્યા.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને વિનોદભાઇને બચાવનાર પોલીસ જવાનોની પ્રસંશા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp