રાજકોટમાં અંધશ્રદ્ધાના કારણે પતિ-પત્નીએ હવનકુંડમાં મસ્તકની આહુતિ આપી દીધી

PC: divyabhaskar.co.in

રાજકોટના વીછિંયા તાલુકામાં એક અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. જેમાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી. એટલું જ નહીં, અંધશ્રદ્ધામાં ભરેલા પગલાંની જાણકારી સ્યુસાઈડ નોટમાં આપી છે. બંનેની બે પાનાંની સ્યુસાઈડ નોટ પણ મળી છે. જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી છે. પોલીસે શબોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. વીંછિયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેની પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાતે તાંત્રિક વિધિ કરી હતી.

ત્યારબાદ બંનેએ કમળ પૂજા કરી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનકુંડની આહુતિ આપી દીધી હતી. રિપોર્ટ્સ મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા મોઢુકા રોડ પર ભોજાભાઈ મકવાણાની વાડીએ તેના પુત્ર અને પુત્રવધૂએ અંધશ્રદ્ધામાં પોતાની જાતે જ બલિ ચડાવી હોવાનું સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ભોજાભાઈનો પુત્ર હેમુભાઈ મકવાણા અને તેની પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ પોતાની જાતે જ બલિ ચડાવી તેમના માથા હવનકુંડમાં હોમી દીધા હતા. બલિ ચડાવવા અગાઉ તેમના સગીર વયના દીકરા-દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા હતા અને ત્યારબાદ પૂજાવિધિનો સામાન લઈને ખેતરે જતા રહ્યા હતા.

રવિવારે બપોરના સમયે દીકરી વાડીએ ગઇ તો માતા-પિતાને આ હાલતમાં જોઈ આઘાતમાં સરી પડી. ત્યારબાદ બધા ભેગા થયા અને ઘટના બાબતે પોલીસને જાણ કરી હતી. મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જયંતીભાઇ જતાપરાએ જણાવ્યું હતું કે, મારા બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતા. ઘરે પણ રામાપીરનું મંદિર બનાવ્યું છે અને વાડીએ પણ હવનકુંડ છેલ્લા બે મહિનાથી બનાવ્યું છે. ગઈકાલે મારા બેન હંસાબેન તેમના દીકરા હરસુખ અને દીકરી મમતાને મારા ભાઈના ઘરે મૂકી ગયા હતા. બધા રાત્રે સાથે જમ્યા પણ હતા, આજે રવિવાર હોવાથી બાળકો રોકાઈ ગયા હતા અને બેન-બનેવી ચાલ્યા ગયા હતા.

બનેવી મજૂરી કામ કરે છે આર્થિક કોઈ ખેંચતાણ તેમને નથી. બપોરે 11 વાગ્યે ઘરે પહોંચતા તેમના ભત્રીજાએ જણાવ્યું હતું કે, બેન અને બનેવીનું ગળું કપાઇ ગયું છે. જ્યાર પછી અમે વાડીએ જઈ અને જોયું તો બેનનું માથું હવન કુંડમાં પડ્યું હતું.  જ્યારે બનેવીનું માથું બાજુમાં પડ્યું હતું. તેમને કોઈ ગુરુ કે ભૂવા નહોતા, પરંતુ પોતે જાતે જ માંચડો બનાવી બંને સાથે સૂઈને પોતાની જાતે બલિ ચડાવી દીધી છે. પોતાના બે બાળકોનો પણ વિચાર કર્યો નથી. આ લોકોને કોઈ પણ જાતની આર્થિક તકલીફ નહોતી. ભાઈઓમાં પણ કોઈ વિવાદ નહોતો.

છેલ્લા 2 મહિનાથી વાડીએ પૂજા કરતા હતા. ગઈકાલે રાત્રે ફૂલ લઈને વાડીએ જતા મૃતકના પિતાએ જોયું હતું. દંપતી તેમના પુત્ર અને પુત્રીને આગલા દિવસે રાત્રે પિયર મૂકી આવ્યા હતા. વીંછિયાના એક ખેતરમાં બનાવેલા ઝૂંપડીમાં તાંત્રિક વિધિ કરીને આહુતિ આપવાની ઘટના બની છે. ત્યારે આ સમગ્ર બનાવમાં જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો દ્વારા અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતા માંચડામાં જેવો માંચડો તૈયાર કરાયેલો હતો. જેમાં પતિ-પત્ની હવનકુંડની બાજુમાં સૂઈ ગયા હતા. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું.

ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાંની ઉંચાઈથી પટક્યું હતું. જેમાં પતિ અને પત્નીના મસ્તક કપાઈ ગયા હતા. જેમાં પત્નીનું મસ્તક હવન કુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું. પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સ્યુસાઈડ નોટ પણ મળી છે. બંને સ્યુસાઈડ નોટને લોકો જોઈ શકે તે માટે ચોંટાડવામાં આવી હતી. સાથે 50 રૂપિયાનુ સ્ટેમ્પ પેપર પણ મળ્યું હતું. સ્યુસાઈડ નોટમાં પહેલાં પાનાંમાં મૃતકે તેમના ભાઈઓને ઉદ્દેશીને લખ્યું હતું, આ કાગળ મા-ભાઈ માટે, તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે.

સુસાઈડ નોટના બીજા પાનામાં જે ભગવાન ભોલેનાથ લખીને શરૂઆત કરી છે અને તેમાં લખ્યું છે, અમે બેય અમારા હાથે અમારી રાજીએ અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાયુ (ભાઈઓ) પણ અમારા માડુ બાપુજી પણ અમારાબેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે એને પણ કોઈ જાતની પુછપરછ કરતા નહીં. મારા સાસુ મારા સસરા પણ અમને કાંઈ પણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પૂછપરછ ન કરતા. અમને કોઈએ કાઈ કહ્યું નથી. અમે અમાર હાથે કરું છે. કોઈ પ્રકારની પુછપરછ ના કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp