26th January selfie contest

મંદિરે દર્શન કરવા ગયેલા દલિતને માર્યો, કહ્યુ- મહાદેવના મંદિરને ફરી રંગાવવું પડશે

PC: divyabhaskar.co.in

દેશની આઝાદીના 75 વર્ષ થઇ ગયા અને જાતિગત ભેદભાવ એખ ગુનો હોવા છતા હજું પણ જાતિના ભેદભાવ એટલા બધા ચાલી રહ્યા છે કે એક દલિત લોકોને તેના ગામના મંદિરમાં દર્શન કરવાની સજા ભોગવવી પડે છે, તેને જોડાનો હાર પહેરવવા કે બૂટ ચાટવા જેવી ધમકી મળે છે. દલિત વરરાજાને ઘોટા પર જાન કાઢવા દેવાતી નથી. હવે અન્ય એક ઘટના સામે આવી છે જેમાં એક દલિત યુવક સાથે આ અપમાનિત અને શરમજનક કૃત્ય કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલ એક ગામમાં બન્યું છે. આ આખા મામલે અંજાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અંજાર પોલીસ સ્ટેશનથી 8 કિલોમીટર દૂર આવેલા ખારા પસવારિયા ગામે પશવાડી ખારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા 32 વર્ષિય દલિત યુવક ગામના મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો હતો. એ સમયે મંદિર નજીક ગામના લોકો ગાયોનો ચારો ક્યાંથી અને કેટલામાં ખરીદવો તે બાબતે ચર્ચા કરતા હતા. યુવક દર્શન કરીને ચર્ચા કરતા લોકો પાસે ગયો ત્યારે રામજી કાનાભાઈ ડાંગર નામના વ્યક્તિએ તેની પાસે આવી બધા વચ્ચે કહ્યું હતું કે ‘તું (જાતિવાચક અપશબ્દ) છે, જેથી આ મંદિરે દર્શન ન થાય અને હવે આ મંદિર રંગાવવું પડશે.’

ત્યારબાદ રાઘા સુજાભાઈ રબારીએ આવીને દલિત યુવકને કહ્યું હતું કે ‘આ (જાતિવાચક અપશબ્દ)ની હિંમત બહુ વધી ગઈ છે, આને બહાર કાઢો' તે પછી રામજી ડાંગર અને રાઘા રબારીએ યુવકના બે હાથ પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો હતો. તે સમયે શામજી ઊર્ફે પપુ વેલાભાઈ આહિર હાથમાં જોડાનો હાર લઈને આવેલો અને તેણે રામજી-રાઘાને ફરિયાદીને જોડાનો હાર પહેરાવવા કહ્યું હતું. આ વખતે પ્રભુ સોમા રબારી નામના વ્યક્તિએ દલિત યુવકને પાછળના ભાગે લાત મારી હતી.

રાઘા રબારીએ કહ્યું કે ‘રામજીના બૂટ ચાટ તો તને છોડી દઇશું, નહીં તો તને જીવથી મારી નાખશું. ત્યારબાદ રામજી, શામજી અને રાઘો દલિત યુવકને માર મારતા-મારતા મંદિરના ગેટની બહાર લઈ ગયા હતા. ઘટના બાદ યુવકે જીવના જોખમે અંજાર પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીડિત યુવક અંજાર પોલીસ સ્ટેશને ગયો ત્યારે રામજી ડાંગર અને રાઘા રબારીએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસે રામજી કાનાભાઈ ડાંગર, રાઘા સુજાભાઈ રબારી, શામજી ઊર્ફે પપુ વેલાભાઈ આહીર અને પ્રભુ સોમાભાઈ રબારી વિરુધ્ધ IPCની કલમ 323, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી. ચૌધરીને સોંપાઈ છે.

પીડિતે એક અખબાર સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, આ ઘટના 3 મેના રોજ બની હતી. તે દિવસે શંકર ભગવાનના મંદિર પાસે ગાયોના ચારા માટે ગામ ભેગું થયું હતું. ત્યાં  મહાદેવના મંદિરમાં મેં દર્શન કર્યા અને દર્શન કરી પાછો ફરતો હતો ત્યારે રામજીભાઇ અને રાઘા ભાઇએ મને જાતિવિષયક અપશબ્દો કહ્યા કે, તું મંદિરમાં ન જઇ શકે. તું બહાર નિકળી જા, હવે અમારે મંદિર રંગાવવું પડશે. મને હાથ પકડીને બહાર કાઢતા હતા ત્યારે શામજીભાઇ આવ્યા અને કહેવા લાગ્યા કે આને જોડાનો હાર પહેરાવો. પીડિતે કહ્યું કે, મેં આ બાબતે SP અને Dy.SPને અરજી આપી હતી. જેથી ગત રાત્રે અંજાર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મારી માગ છે કે મને ન્યાય મળવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp