ચોમાસુ આવી ગયું કે શું? રાજકોટમાં 1 કલાકમાં સવા ઇંચ વરસાદ, હજુ બે દિવસનો વરતારો
ગુજરાતમાં કમોસમી વરસાદે અનેક વિસ્તારોને ઘમરાળી નાંખ્યા છે, જાણે એમ લાગી રહ્યું છે કે શું ચોમાસું વહેલી આવી ગયું છે? રાજકોટમાં તો એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. માત્ર રાજકોટ નહી, જુનાગઢ, કચ્છ ભૂજ, અમરેલી, ગોંડલ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી છે. બિન બુલાયે મહેમાન જેવા આ વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગે હજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વરસાદ પડવાનો વરતારો આપ્યો છે.
બુધવારે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હવામાન બદલાયું છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં તો માવઠાએ હાલત ખરાબ કરી નાંખી છે અને એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં 32 મિ.મી વરસાદ પડ્યો છે.
કમોસમી વરસાદને કારણે રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘંઉ અને ધાણાનો પાક પલળી જતા મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ યાર્ડના ચેરમેને ખેડુતોને 3 દિવસ સુધી ઘંઉ, ધાણા અને ચણાં નહીં લાવવા માટે કહ્યું છે.
તો બીજી તરફ જસદણના આટકોટ,વીરનગર, ખારચિયા, પાંચવડા સહિતના ગામડાઓમાં હળવા ઝાપટાં પડ્યા છે. ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
કચ્છની વાત કરીએ તો અહીં પણ અનેક ગામડાંઓમાં વરસાદની હળવા ઝાપટા પડ્યા છે. અમરેલી જિલ્લામાં તો સતત એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે.
હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે 23 અને 24 માર્ચ એમ દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 23 માર્ચે જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, તેમાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદામાં કમોસમી વરસાદ પડશે. ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ,જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્રારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
તો 24 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.
કમોસમી વરસાદે તો છેલ્લાં એક સપ્તાહથી વધારે સમય પહેલાંથી આખા રાજ્યને માથે લીધું છે અને માવઠાંને કારણે ખેડુતોને રડવાનો વારો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp