ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની RSS વિરુદ્ધ ટીપ્પણી કરવાનું ભારે પડ્યુ, ધરપકડ

PC: facebook.com/vinodbhai.vinodbhai.77985741

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને રાજકારણ કરવાનું ભારે પડી ગયું છે. વેપારીઓના મહત્ત્વના પદ પર બેઠા હોવા છતા પ્રમુખે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS) માટે વિવાદિત ટિપ્પણી કરી હતી જેને કારણે ભારે હોબાળો મચી જતા આખરે પ્રમુખે લેખિતમાં જાહેરમાં માફી માંગવી પડી હતી.

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનુભાઇ કેપ્ટન ઘેરવડાએ ફેસબુક અને વ્હોટસેપ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સામે વિવાદિત વાત કરી હતી. ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે શેર કરેલી પોસ્ટમાં લખ્યુ હતું કે "જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘમે ગયે" આ પોસ્ટ વાયરલ થઇ જતા રાજકોટના રાજકારણમાં હડકંપ મચી ગયો અને હિંદુ સંગઠનો લાલઘુમ થઇ ગયા હતા.

વિનુભાઇ ઘેરવડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની સાથે સાથે સામ્યવાદી પક્ષના ઉપલેટાના મહામંત્રી પણ છે. તેમની આ પોસ્ટને કારણે એટલો ભારે હોબાળો મચી ગયો કે તેમણે લેખિતમાં માફી માંગવી પડી હતી. પરંતુ, આમ છતા હિંદુ સંગઠનનો ગુસ્સો શાંત નહોતો થયો અને સંગઠનના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડીયાની ધરપકડ કરી છે.

વિનુભાઇ ઘેરવડીયાએ ફેસબુક પોસ્ટ પર એક કાગળ પર હાથથી લખેલો માફી પત્ર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે હું વિનુભાઇ ઘેરવડીયા, RSSની પોસ્ટ મુકવા બદલ માફી માંગુ છુ અને ભવિષ્યમાં ક્યારેય આવી પોસ્ટ મુકીશ નહીં.આ માફી પત્રમાં તેમણે નીચે પોતાનું નામ લખ્યું છે.

RSSને બદનામ કરતી પોસ્ટ વાયરલ થવાને કારણે હિંદુ સંગઠનો RSS, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ સહિતની સંસ્થાના હિંદુ આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હિંદુ સંગઠનોએ વિનુભાઇ ઘેરવડાને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદેથી દુર કરવાની માગ કરી હતી.

જાણવા મળેલી વિગત મુજબ હિંદુ સંગઠનોની એક બેઠક સર્કિટ હાઉસમાં મળી હતી અને તેમાં વિનુભાઇ ઘેરવડાએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.વિનુભાઇ ઘેરવડાએ અગાઉ પણ એક વીડિયો દ્રારા RSS વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

ચેમ્બર ઓફ કોર્મસ એ મહાજનોની સંસ્થા હોય છે અને જે તે શહેરના ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે સંસ્થા કામ કરતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp