આ દેશમાં 24 કલાકમાં 1400 વખત ભૂકંપના ઝટકા, જમીનમાંથી લાવા બહાર, ઇમરજન્સી જાહેર

PC: nypost.com

આઇસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ છે. અહીં લગભગ 30 સક્રિય જ્વાળામુખી છે. જુલાઈમાં, Fagradalsfjallના લિટલી હુતુર અથવા લિટિલ રામ, જ્વાળામુખીમા વિસ્ફોટ થયો હતો, જેણે દુનિયભરના પ્રવાસીઓનો આકર્ષ્યા.

યુરોપમાં આવેલા આઇસલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં 1400 વખત અને 14 કલાકમાં 800 વખત ભૂંકપના આંચકા અનુભવાયા છે. જેને કારણે ત્યાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમ શહેર ગ્રિંડાવિકમાં શ્રેણીબદ્ધ ધરતીકંપો બાદ જ્વાળામુખી ફાટી નીકળવાના ભયને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.તાજેતરના અઠવાડિયામાં ગ્રિંડાવિક , Fagradalsfjallના જ્વાળામુખીની આસપાસ હજારો ભૂકંપ નોંધાયા છે.

ન્યૂઝ એજન્સી AFPએ શનિવારે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે શહેરમાં વસતા હજારો લોકોને તેમની જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

આઇસલેન્ડના નાગરિક સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય પોલીસ વડાએ ગ્રિંડાવિકની ઉત્તરે ધરતીકંપની પ્રવૃત્તિને કારણે નાગરિક સુરક્ષા માટે ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. આઈસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારથી ગુરુવારની વચ્ચે 24 કલાકમાં રિક્ટર સ્કેલ પર લગભગ 1400 ભૂકંપ નોંધાયા છે. મેટ ઓફિસના જણાવ્યા અનુસાર શુક્રવારના પ્રથમ 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા હતા.

આ પછી, ગુરુવારે અધિકારીઓએ ભૂકંપની પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે નજીકના બ્લુ લગૂન લેન્ડમાર્કને બંધ કરી દીધું છે. આઇસલેન્ડ મેટ ઓફિસે ભય વ્યક્ત કર્યો હતો કે આ વિસ્તારમાં મેગ્મા (પીગળેલા ખડકો, જેને લાવા તરીકે પણ ઓળખવામાં આવે છે)નો મોટો જથ્થો ભૂગર્ભમાં ફેલાઈ રહ્યો છે અને તે પૃથ્વીની સપાટીને ફાડીને કોઈપણ સમયે બહાર આવી શકે છે.

આઇસલેન્ડની નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે ગ્રિંડાવિકને ખાલી કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે IMO દ્વારા મેગ્મા શહેરમાં પહોંચી શકે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી.

લગભગ 4,000 લોકોની વસ્તી ધરાવતા શહેરના મોટાભાગના રસ્તાઓ ઈમરજન્સી ઉપરાંત અન્ય કારણોસર બંધ છે. આઇસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ છે. 2021, 2022 અને 2023માં અહીં સતત જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. આ પહેલા આ જ્વાળામુખી આઠ સદીઓથી નિષ્ક્રિય રહ્યો હતો.

આઇસલેન્ડએ ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરો વચ્ચેનો એક નોર્ડિક ટાપુ દેશ છે, જે ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચેના મધ્ય-એટલાન્ટિક રિજ પર છે. તે યુરોપ સાથે સાંસ્કૃતિક અને રાજકીય રીતે જોડાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp