ભારતની પહેલી સૌર ઉર્જાથી ચાલતી કાર, 45 મિનિટમાં થશે ચાર્જ, 250 કિમી ચાલશે

PC: e-vehicleinfo.com

ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા ઑટો એક્સપો 2023મા ઘણી ખાસ પ્રકારની ગાડીઓ રજૂ કરવામાં આવી છે. પૂણેની સ્ટાર્ટઅપ કંપની Vayve Mobiltyએ ભારતની પહેલી સોલર કાર EVA રજૂ કરવાનો દાવો કર્યો છે. આ કારની અંદર 2 પુખ્ત અને 1 બાળક બેસી શકે છે. ખાસ વાત એ છે કે, કારને 45 મિનિટમાં ફુલ ચાર્જ કરીને 250KM સુધી ચલાવી શકાય છે.

આ બેટરીથી ચાલનારી સિંગલ ડોર કાર છે. સાઈઝમાં તે ટાટા નેનો જેટલી દેખાય છે. ખરેખર, તે એક ઇલેક્ટ્રિક કાર જ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આમાં તમે સોલાર રૂફ પેનલનો ઓપ્શન પસંદ કરી શકો છો જેને કારની ઉપર ફીટ કરી શકાય છે. સોલાર રૂફ ચાર્જિંગમાં મદદ કરે છે, જેના માટે કારને ખુલ્લામાં પાર્ક કરવી પડશે. કંપની સોલાર રૂફ અલગથી વેચશે.

હાલમાં તે એક પ્રોટોટાઇપ છે. આ ઇલેક્ટ્રિક કારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને 2024ની શરૂઆતમાં આ કાર લોન્ચ કરવામાં આવી શકે છે. આમાં 6 kW લિક્વિડ કૂલ્ડ ઇલેક્ટ્રિક મોટર છે જે 16hp પાવર અને 40Nmનું પીક ટોર્ક જનરેટ કરી શકે છે. ઇલેક્ટ્રિક/સોલર કારમાં 14 kWh બેટરી પેક મળે છે. કાર એક વાર ચાર્જ કરવા પર 250 કિમી રેન્જની ઑફર કરે છે. આ કારમાં ચાર્જિંગ માટે 15A સૉકેટ છે.

ઘરના સોકેટથી આ કારને 4 કલાકમાં ચાર્જ કરી શકાય છે. સંયુક્ત ચાર્જિંગ સિસ્ટમ દ્વારા, તેને 45 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાય છે. કારમાં આગળની તરફ સિંગલ સીટ અને પાછળ થોડી મોટી સીટ મળે છે. કનેક્ટિવિટી માટે, આમાં એન્ડ્રોઇડ ઑટો અને એપલ કારપ્લે મળે છે. વાયવે મોબિલિટી આવતા વર્ષે પુણે અને બેંગ્લોરમાં EVA શરૂ કરશે. કારનું બુકિંગ અને કિંમતો બાદમાં જાહેર કરવામાં આવશે.

કારનું ઇન્ટીરિયર

એક નાની કાર હોવા છતાં, આ કારના ઇન્ટીરિયરમાં સારી જગ્યા આપવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ કારમાં એર કંડિશનની (AC) સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઑટો કનેક્ટિવિટી સિસ્ટમ આપવામાં આવ્યું છે. તેનું પેનારોમિક સનરૂફ કારના ઈન્ટિરિયરને વધુ સ્પેશિયલ લુક આપે છે. જ્યારે તમે કારની અંદર બેસો છો, ત્યારે તમને તે નાની હોવાનો અહેસાસ નથી થતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp