જાણો, 450 કિલો વજનની ફોલ્ડ થનારી ઈલેક્ટ્રિક કારની કિંમત અને ફીચર્સ વિશે

PC: moveelectric.com

ઈઝરાયલ બેઝ્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ સિટી ટ્રાન્સફોર્મર (City Transformer) ટૂંક સમયમાં જ પોતાની મિની ઈલેક્ટ્રિક કાર CT-2ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. શરૂઆતમાં આ ઈલેક્ટ્રિક કારને યૂરોપના માર્કેટમાં રજૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર તેને આવતા વર્ષે 2024 સુધી બજારમાં ઉતારવામાં આવી શકે છે. ખૂબ જ આકર્ષક લુક અને દમદાર બેટરી પેક સાથે આ મિની ઈલેક્ટ્રિક કારની સાઈઝ જ તેની સૌથી મોટી ખૂબી છે. કંપનીનું માનવુ છે કે, ભારે ભીડ અને હેવી ટ્રાફિકવાળા શહેરોમાં આ મિની કાર ડેલી યુઝ માટે વાહનવ્યવહારનો બેસ્ટ ઓપ્શન બનશે.

મુખ્ય કાર્યકારી આસફ ફોર્મોઝાએ રોયટર્સને જણાવ્યું કે, કંપનીએ અત્યારસુધી 20 મિલિયન ડૉલર એકત્ર કર્યા છે, પશ્ચિમી યુરોપમાં એક કારખાનાની પસંદગી કરી છે, જ્યાં આ કારનું પ્રોડક્શન કરવામાં આવશે. શરૂઆતમાં કંપની પ્રતિવર્ષ 15000 યૂનિટ્સનું નિર્માણ કરશે. જોકે, કંપનીએ પ્લાન્ટના લોકેશન વિશે કોઈ જાણકારી શેર નથી કરી. ફોર્મોઝાએ કહ્યું, સ્ટાર્ટઅપ હજુ વધુ નિવેશ ભેગું કરી રહ્યું છે જેથી તેના પ્રોડક્શનને જલ્દી અને સારી રીતે શરૂ કરી શકાય.

યૂરોપિયન યૂનિયન અને બ્રિટનમાં આ કારના ઉપયોગ માટે પરવાનગી મળી ચુકી છે. રસપ્રદ વાત એ છે કે, આ કારને બે મોડમાં ડ્રાઈવ કરી શકાય છે, એક છે પરફોર્મન્સ મોડ અને બીજું છે સિટી મોડ. પરફોર્મન્સ મોડમાં ડ્રાઈવ કરતી વખતે તેનો વ્હીલબેઝ વધી જાય છે અને કારના ચારેય પૈંડા જાતે જ થોડાં બહાર આવી જાય છે. તેને કારણે કારનું પરફોર્મન્સ વધી જાય છે, આ દરમિયાન તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. જ્યારે તમે કારને પરફોર્મન્સ મોડમાં ડ્રાઈવ કરી રહ્યા હો અને તમારે કાર કોઈ સાંકડી જગ્યામાં પાર્ક કરવાની હોય તો તમારે માત્ર તેને સિટી મોડમાં સ્વિચ કરવાનું હોય છે. આવુ કરતા જ કારના વ્હીલ્સ અંદર તરફ આવી જાય છે અને કારની પહોળાઈ ઓછી થઈ જાય છે.

CT-2ની સાઈઝની વાત કરીએ તો તેની લંબાઈ 2500 mm, પહોળાઈ 1400mm (પરફોર્મન્સ મોડ), ઊંચાઈ 1580 mm, વ્હીલબેઝ 1800 mm છે. તેમજ સિટી મોડ કારની પહોળાઈ 1000 mm જ રહી જાય છે. સિંગલ સીટ સાથે આવનારી આ કારના પાછળના ભાગમાં લગેજ સ્પેસ (બૂટ) પણ આપવામાં આવી છે, જેમા તમે જરૂરી સામાન સરળતાથી મુકી શકો છો. આ કારનું કુલ વજન માત્ર 450 કિલોગ્રામ છે. તેમા 7.5 kWની ક્ષમતાની બે ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જેને કારણે આ કારની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. કંપનીનો દાવો છે કે, આ કાર સિંગલ ચાર્જામાં 180 કિમી સુધીનો ડ્રાઈવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. પિક-અપના મામલામાં પણ આ મિની કાર ઘણી સારી છે. માત્ર 5 સેકન્ડમાં જ આ કાર 0થી 50 કિમી પ્રતિકલાકની સ્પીડ પકડે છે.

તેના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, જે સારું અને સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે. આ કારની બેટરીને માત્ર 1 કલાકમાં જ DC ચાર્જરથી ફુલ ચાર્જ કરી શકાય છે. કંપનીની આધિકારીક વેબસાઈટ પર આ ઈલેક્ટ્રિક કારનું પ્રી-ઓર્ડર બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, તેને યૂરોપ ઉપરાંત અન્ય બજારોમાં ક્યારે રજૂ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ આધિકારીક જાણકારી શેર કરવામાં નથી આવી.

100 સેન્ટીમીટર એટલે કે 1 મીટરની જગ્યામાં સરળતાથી પાર્ક થઈ જતી આ નાનકડી કારની કિંમતને લઈને ફોર્મોઝાનું કહેવુ છે કે, ટેક્સ વિના CT-2ની કિંમત 16000 યૂરો (આશરે 14.20 લાખ રૂપિયા) હશે. તેમણે કહ્યું, સિટી ટ્રાન્સફોર્મર CT-2 જેવા નાનકડા ઈવી માટે સબસિડી માટે યૂરોપીય સંઘની વકાલત કરી રહ્યું છે જે વર્તમાનમાં મોટા મોડલ માટે ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp