દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3નું લોન્ચિંગ થઇ ગયું, ઇસરોએ કહ્યું- મિશન સફળ

PC: facebook.com/ISRO

દેશભરના લોકો, વૈજ્ઞાનિકો અને દેશના નેતાઓ જેની રાહ જોઇ રહ્યા હતા. તે ચંદ્રયાન-3એ સફળ ઉડાણ ભરી દીધી છે.દેશના ઇતિહાસમાં આજનો આ મહત્ત્વનો દિવસ છે અને મિશન સફળ થતા વૈજ્ઞાનિકો અને દેશના લોકોના ચહેરા પર સફળતાની ખુશી છલકી ઉઠી હતી. દેશવાસીઓ સવારથી વૈજ્ઞાનિકોની આ સફળતાને આતુરતાથી ટીવી પર જોઇ રહ્યા હતા.

દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3એ શુક્રવારે બપોરે ઉડાન ભરી દીધી છે.  ચંદ્રયાન 3 શુક્રવાર,14 જુલાઈ ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.આ ચંદ્ર મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા ચંદ્ર મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 'ચંદ્રયાન-2' મિશન દરમિયાન, અંતિમ ક્ષણોમાં, લેન્ડર 'વિક્રમ' મુશ્કેલી ઉભી થવાને કારણે 'સોફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું.

Indian Space Research Organisation (ISRO) નો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં ઉડાન ભરી ગયો હતો. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને 'ફેટ બોય' પણ કહે છે. ઓગસ્ટના અંતમાં 'ચંદ્રયાન-3'નું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.લગભગ 40 દિવસ લાગશે પહોંચતા એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.

જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ ગુરુવારે,13 જુલાઈ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'LVM3M4-ચંદ્રયાન-3 મિશન, આવતીકાલે શુક્રવાર 14 જુલાઈ 14.35 કલાકે (2:35 PM) પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

ISROએ કહ્યું કે 'ચંદ્રયાન-3' પ્રોગ્રામ હેઠળ, ISRO ચંદ્રની સપાટી પર 'સોફ્ટ-લેન્ડિંગ' અને તેના ચંદ્ર મોડ્યુલની મદદથી ચંદ્રના ભૂપ્રદેશ પર રોવરનું પરિભ્રમણ દર્શાવીને નવી સીમાઓ પાર કરવા જઈ રહ્યું છે.

ચંદ્રયાન-3 મિશન જેમાં સ્વદેશી પ્રણોદન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે તેનો હેતુ આંતર-ગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું પ્રદર્શન કરવાનો છે. પ્રણોદન એ તાકાત છે જે રોકેટને અંતરિતક્માં ધકેલવાનું કામ કરે છે. શુક્રવારનું મિશન એ LVM3 ની ચોથું ઓપરેશનલ ઉડાન છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રયાન-3ને જીઓસિંક્રોનસભ્રમણકક્ષામાં એટલે કે દીર્ઘ વૃતાકાર કક્ષામાં લોન્ચ કરવાનો છે.

ચંદ્રયાન-3ના સફળ ઉડાન પહેલા એટલે કે 11 જુલાઇ મંગળવારે, શ્રીહરિકોટા ખાતે સમગ્ર પ્રક્ષેપણની તૈયારી અને પ્રક્રિયાને જોવા માટે 'લોન્ચ ડ્રીલ' યોજવામાં આવી હતી, જે 24 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. બીજા દિવસે, વૈજ્ઞાનિકોએ મિશનની તૈયારીની સમીક્ષા પૂર્ણ કરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp