
વર્ષ 2022ના ખતમ થવાની સાથે જ ડિસેમ્બર મહિનામાં થયેલા વાહનોના વેચાણના આંકડાં આવવાના શરૂ થઈ ગયા છે. ગયા ડિસેમ્બર મહિનામાં Maruti Suzuki માટે કંઈ ખાસ રહ્યો ન હતો અને કંપનીના વેચાણમાં 2021ના વર્ષની સરખામણીએ 9.9 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. જ્યારે Tata Motors માટે આ મહિનો ફાયદાકારક સાબિત થયો છે અને Tataની કારના વેચાણમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. Maruti Suzuki India Ltdએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, કંપનીએ 2022ના ડિસેમ્બર મહિનામાં કુલ 1,39,347 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે 2021ના ડિસેમ્બર મહિનામાં વેચવામાં આવેલા કુલ 1,53,149 યુનિટ્સ વાહનોના મુકાબલે 9.9 ટકા ઓછું રહ્યું છે.
આ સિવાય કુલ સ્થાનિક વેચાણમાં પણ 10.2 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો છે. જે ગયા વર્ષના આ મહિનાના 1,30,869 યુનિટ્સની સરખામણીએ 1,17,551 યુનિટ્સ જ રહ્યા છે.
આ તો થયા યર-ઓન યર વેચાણના આંકડા. માસિક વેચાણમાં પણ કંપનીને ઘણો મોટો ઝટકો લાગ્યો છે. ગયા નવેમ્બર મહિનામાં કંપનીએ કુલ 1,59,044 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે આ વર્ષના ડિસેમ્બર મહિનાના મુકાબલે 14.1 ટકા વધારે છે. જ્યારે કંપનીનું કહેવું છે કે, ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સની કમીનો પ્રભાવ વાહનોના પ્રોડક્શન પર પડ્યો છે. ખાસ કરીને સ્થાનિક મોડલ પર તેની ઘણી અસર થઈ છે. આથી વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં નાની, સસ્તી કારના વેચાણ ઘણું ઓછું થયું છે, જેમાં Alto અને S-Presso જેવા મોડલ આવે છે. આ સેગમેન્ટમાં કંપનીએ કુલ 9765 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે 2021ના ડિસેમ્બર મહિનામાં કુલ 16320 યુનિટ્સ હતા. જ્યારે યુટિલિટી સેગમેન્ટમાં આવનારી કાર જેવી કે Brezza, Ertiga, XL6, Grand Vitarra વેગેરેનું વેચાણ સારું રહ્યું છે. યુટિલિટી સેગમેન્ટમાં કંપનીએ કુલ 33,008 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે 2021માં 26982 યુનિટ્સ હતા.
Tata Motorsએ ગયા વર્ષે પોતાના વેહીકલ લાઈન અપને ઝડપથી અપડેટ કરી છે. કંપનીએ CNGની સાથે જ ઈલેક્ટ્રીક સેગમેન્ટમાં પણ ઘણા નવા મોડલ જાહેર કર્યા છે, જેનું પરિણામ એ રહ્યું કે કંપનીનું વેચાણ સતત વધી રહ્યું છે. ગયા ડિસેમ્બર મહિનામાં Tata Motorsએ સ્થાનિક માર્કેટમાં કુલ 72, 997 યુનિટ્સ વેચ્યા છે, જે 2021માં વેચવામાં આવેલા 66,307 યુનિટ્સની સરખામણીએ 10 ટકા વધારે છે.
Tata Motors ઈલેક્ટ્રીક વેહીકલ સેગમેન્ટમાં જબરજસ્ત પરફોર્મ કરી રહી છે. હાલમાં જ કંપનીએ માર્કેટમાં પોતાની સસ્તી ઈલેક્ટ્રીક કાર તરીકે Tiago EVને જાહેર કરી હતી, જેની શરૂઆતની કિંમત 8.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પૂર્વે કંપનીએ Tigor EV,Nexon EV જેવા મોડલના વેચાણ પણ કરતી રહી છે. ગયા ડિસેમ્બર મહિનામાં કંપનીના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોએ શાનદાર પ્રદર્શન કરીને 64.2 ટકાનો વધારો નોંધ્યો છે. જ્યારે 2022ના ડિસેમ્બર મહિનામાં કંપનીએ કુલ 3868 ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ કર્યું છે, જે 2021માં માત્ર 2355 યુનિટ્સ રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp