હજુ 10 કોર્પોરેટરના રાજીનામા પડશે, AAPમાંથી BJPમાં આવેલા કનુ ગેડિયાનો દાવો

PC: divyabhaskar.co.in

શુક્રવારે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા કનુ ગેડીયાએ ચોંકાવનારી વાત કરી છે. ભાજપમાં આવાતાની સાથે જ ગેડીયાએ આમ આદમી પાર્ટીનો પોલ ખોલવાની ચાલું કરી નાંખી છે. કનુ ગેડીયાએ મીડિયાની સામે દાવો કરતા કહ્યુ હતું કે, હજુ બીજા 10 કોર્પોરેટરના રાજીનામા પડશે અને સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ શૂન્ય થઇ જશે. કનુ ગેડિયાએ દાવો કરતા કહ્યુ હતું કે અમે જ બે મહિનાથી ઓપરેશન ડિમોલિશન ચલાવતા હતા. મતલબ કે ગેડીયાએ આમ આદમી પાર્ટીમાં રહીને વિભીષણની ભૂમિકા ભજવી હતી.

શુક્રવારે આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. કનુ ગેડીયા અને અલ્પેશ પટેલે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. ભાજપમાં જોડાયા પછી કનુ ગેડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેં ઉત્તરાખંડના પ્રવાસ કર્યો હતો અને ત્યાં જે શિતળતા અને શાંતિનો અનુભવ થયો પછી ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો.

ભાજપમાં જોડાવવાની સાથે જ ગેડિયાએ AAPની પોલ ખોલી નાંખી હતી. કનુ ગેડિયાએ કહ્યુ કે, સુરતમાં આમ આદમી પાર્ટીમાં દિશા વિહિન નેતૃત્વ અને આંતરિક ડખાની ફરિયાદ લઇને અમે દિલ્હી ગયા હતા .AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે એપોઇન્ટમેન્ટ પણ આપી હતી, પરંતુ પાછળથી દિલ્હી  મેયરની ચૂંટણીનું કારણ આપીને કેજરીવાલ અમને મળ્યા નહોતા. એ પછી અમે રાજ્યસભા સાંસદ રાજીવ પાઠક અને ગુજરાતની પ્રભારી સંદિપ પાઠકને મળ્યા હતા. આ બંનેની મુલાકાત પછી અમને થયું કે ખોટી જગ્યાએ રજૂઆત થઇ ગઇ.

આખરે અમે પાછા ફર્યા અને ભાજપ સાથે મળીને છેલ્લા 2 મહિનાથી ઓપરેશન ડિમોલિસનની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ચૂક્યા છે, પણ તમે લખી રાખજો, હજુ 10થી 12 કોર્પોરેટર ભાજપમાં આવવા માટે ટાંપીને જ બેઠા છે. પાલિકામાં વિપક્ષ ઝીરો થઇ જશે.

આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં આવેલા બીજા કોર્પોરેટર અલ્પેશ પટેલે કહ્યું હતું કે અમે તો મુળ ભાજપના જ કાર્યકરો છે. વર્ષ 2014માં ભાજપ માટે જ કેમ્પેઇન કર્યું હતું. એ પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા, પરંતુ જે આશા સાથે પાર્ટીમાં જોડાયા હતા તે હવે વિરુદ્ધમાં જતી દેખાઇ રહી છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને તોડવાનો પ્રયાસ ભાજપ આમ તો અગાઉ ઘણી વખત કરી ચૂક્યું હતું, પરંતુ તે વખતે સફળતા નહોતી મળી, પરંતુ ત્રીજા પ્રયાસે ભાજપની કારી ફાવી ગઇ. પહેલા 4 કોર્પોરેટર એ પછી 6 કોર્પોરેટર અને હવે શુક્રવારે 2 કોર્પોરેટરની સાથે કુલ 12 કોર્પોરેટર ભાજપમાં આવી ગયા છે. સુરત મહાનગર પાલિકામાં 27 કોર્પોરેટર યૂંટાયા હતા, હવે માત્ર 15 જ બચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp