
સુરતમાં તસ્કરોએ એક એવી ચોરીને અંજામ આપ્યો છે કે જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. અત્યાર સુધી આપણે ઘણી વખત જાણ્યું અને વાંચ્યું છે કે દુકાનના સામાનની ચોરી થઇ, બાઇકની ચોરી થઇ, રોકડા રૂપિયા કે સાઇકલની ચોરી થઇ હોય, પરંતુ સુરતના ઉત્રાણ વિસ્તારમાં મોડી રાત્રે ટેમ્પો લઇને આવેલા 5 તસ્કરો આખે આખો પાનનો ગલ્લો જ ઉઠાવી ગયા હતા. સવારે જ્યારે પાનની દુકાનનો માલિક આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો આખો ગલ્લો જ ગાયબ થઇ ગયો હતો. દુકાન માલિકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે CCTV તપાસ્યા છે.
પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ સુરતના ઉત્રાણમાં ક્રિષ્ણા ટાઉનશીપ પાસે એક માણસ પાનનો ગલ્લો ગોઠવીને ધંધો કરતો હતો. તે રાત્રે પોતાની દુકાન બંધ કરીને ગયો અને સવારે જ્યારે પાછો ગલ્લો ખોલવા માટે આવ્યો તો એ જગ્યા પર ગલ્લો જ નહોતો. દુકાનદારના તો હોંશ ઉડી ગયા હતા. પાનના ગલ્લાના માલિકે પોલીસને ફરિયાદ કરી હતી જેને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે જ્યારે CCTV તપાસ્યા તો ખબર પડી કે એક ટેમ્પો આવે છે અને તેમાંથી 5 માણસો ઉતરે છે. એ પછી એ બધા ભેગા થઇને પાનના ગલ્લાંને ટેમ્પોમાં ચઢાવી દે છે. સાથે પડેલી ખુરશીઓ પણ ટેમ્પોમાં મુકી દેવામાં આવે છે. પહેલી નજરે કોઇ જોઇ તો એમ જ લાગે કે સામાન ટ્રાન્સફર કરતા લાગે છે. ટેમ્પોમાં આવેલા ચોરો એવી શિફતથી અને એકદમ શાંતિથી પાનનો ગલ્લો ચોરી કરીને જાય છે કે એમ લાગે કે તેમનો પોલીસનો કોઇ ડર નથી.
પાનના ગલ્લાના માલિકે ફરિયાદમાં ગલ્લાની કિંમત 25,000 અને 10,000નો માલ એમ કુલ 35,000 રૂપિયાની ચોરી થઇ હોવાનું જણાવ્યું છે. આ ઘટનાથી પોલીસ પણ માંથુ ખંજવાતી થઇ ગઇ છે કે, પહેલીવાર સાંભળ્યું કે કોઇ આખેઆખો પાનનો ગલ્લો જ ઉઠાવી ગયું હોય.
એક અધિકારીએ મજાકમાં કહ્યું કે, માવા,સિગારેટ ગુટકાના ભાવો ખાસ્સા વધી ગયા છે એટલે વ્યસનીઓને ખર્ચા પોસાતા નહીં હોય, એટલે પાનનો ગલ્લો ઉઠાવી ગયા હશે.
વચ્ચે એક એવો કિસ્સો પણ સામે આવેલો કે જ્યારે કાંદાના ભાવો આસમાને હતા અને 100 રૂપિયાની ઉપર ભાવ થઇ ગયા હતા ત્યારે કાંદાની ગુણની ચોરીની પણ ફરિયાદ થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp