MPના પોલીસકર્મીઓએ 7 કરોડથી વધુના 240 સોનાના સિક્કા ચોર્યા, છે ગુજરાત કનેક્શન

PC: mptak.in

મધ્ય પ્રદેશના અલીરાજપુરથી ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યાંના સોંડવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને તેમના અન્ય સાથી પોલીસકર્મીઓ પર 240 સોનાના સિક્કા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ દરેક સિક્કાનું વજન લગભગ 7.89 ગ્રામ છે. આ દરેક સિક્કાની ભારતમાં કિંમત લગભગ 44 હજાર રૂપિયા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આ એક સિક્કાની કિંમત 3 લાખ રૂપિયા છે. એટલે કે TI અને તેમના સાથી પોલીસકર્મીઓ પર જે સિક્કાઓ ચોરી કરવાનો આરોપ છે, તેની કિંમત 7 કરોડ રૂપિયાથી વધારે છે. આ વાત સામે આવ્યા પછી આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બેજડા ગામની એક મહિલાએ 23 જુલાઈના રોજ આવો જ એક સિક્કો પોલીસને સોંપ્યો. પોલીસ આ સિક્કા વિશે જાણવા એક જ્વેલર પાસે પહોંચી ગઈ. જ્વેલરે તપાસ પછી પોલીસને જણાવ્યું કે આ સોનાનો સિક્કો છે. આ સિક્કા પર જૉર્જ-5 લખ્યું છે. વિશેષજ્ઞોએ જણાવ્યું કે આ ભારતની આઝાદી પહેલાના સિક્કા છે. જેને 1922 માં બ્રિટિશોએ બહાર પાડ્યા હતા.

આ સોનાના સિક્કા બેજડા ગામની એક મહિલા મજૂરને મળી આવ્યા હતા. તેણે જણાવ્યું કે આ સિક્કા ગુજરાતના નવસારી જિલ્લામાંથી મળી આવ્યા. નવસારીના બીલિમોરામાં તે મજૂરી કરવા ગઈ હતી. આ સિક્કા મળ્યા પછી તે ગામ પાછી આવી ગઈ. તેણે જણાવ્યું કે બિલીમોરામાં શબ્બીર બલિયાવાલાનું ઘર જર્જરિત થયું હતું. તે ઘરને તોડી પાડવાનું હતું. તેનો કોન્ટ્રાક્ટ વલસાડના સરફરાઝે લીધો હતો. સરફરાઝ આ મકાનને તોડવા માટે અલીરાઝપુરથી મજૂરો લઈ ગયો હતો. જ્યારે આ ઘરને તોડી રહ્યા હતા તો ત્યારે આ સિક્કા મહિલાના હાથે આવ્યા. તેણે આ વિશે કોઈને કશું જણાવ્યું નહીં.

રમકુબાઈ નામની મહિલા મજૂરને આ સિક્કા મળી આવ્યા હતા. મહિલાએ જણાવ્યું કે તેને મકાનમાં કામ કરતા સમયે આ સિક્કા મળી આવ્યા હતા અને ચૂપચાપ તે સિક્કા ગામ લઈને આવી ગઈ. પણ ગામમાં આ ખબર ફેલાઈ ગઇ કે મેં સિક્કા ઘરમાં દાટી દીધા છે.

ખબર ફેલાતા 4 પોલીસકર્મી મહિલાના ઘરે પહોંચ્યા અને તેને ધમકાવી અને સિક્કા શોધીને સાથે લઈ ગયા. મહિલાએ ત્યાર પછી આ ઘટના અંગેની ફરિયાદ પોલીસમાં કરી. ગ્રામીણોને આ વાત વિશે જાણ થઇ તો તેમણે પોલીસ સ્ટેશન ઘેરી લીધું અને પ્રદર્શન કર્યું. તપાસ પછી આ ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp