
પેથાપુર નજીક દારૂ ભરેલો આઇસર ટ્રક પલટી ગયો હતો. ચા પીવાના મગની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આઇસરમાં માલ-સામાનની આડમાં દારૂ લઇ જવાતો હતો. રાજસ્થાનથી ગુજરાતમાં ચાના મગ ભરી લઇ જતા આઇસરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પેથાપુર હાઇવે પર આવેલી કાળી નદી પૂલ પર અકસ્માતની ઘટના બની છે. આઇસર ગાડીમાંથી 30 પેટી દારૂ મળી આવ્યો છે. અકસ્માત થતા ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશનરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ આવી પહોંચી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી હાય તેમ લાગી રહ્યું છે.
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે LCBની ટીમે દરોડા પાડીને 15 લાખ રૂપિયાની કિંમતની 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરીને સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના વ્યક્તિએ મોકલ્યો હતો. જે અમરેલીના સાવરકુંડલાના વ્યક્તિને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.
આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઇપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઇઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો, જેને LCBની ટીમે શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થોડા દિવસ અગાઉ જ ગાંધીનગરમાં પણ કંઇક એવી જ ઘટના બની હતી. રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાંથી પોલીસે પ્લાયવુડ પાર્સલની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર લક્ઝરી કે ST બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી વધી હતી. પોલીસ દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીને ખુલ્લી પાડી દેવામાં આવતા હવે બસમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે.
ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક લક્ઝરી બસને ઊભી રાખી હતી. જેની ડિકીમાં તપાસ કરતા 25 જેટલા પાર્સલ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે પૂછવામાં આવતા રાજસ્થાનના નાથદ્વારા પાસે રમેશ મેઘવાલ નામના વ્યક્તિએ આ પાર્સલ આપ્યા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા પ્લાયવુડની અંદર વિદેશી દારૂની 132 જેટલી બોટલ મળી આવી હતી. 95 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરીને રમેશ મેઘવાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp