રાહુલે બંગલો ખાલી કરી દીધો, પૂર્ણેશ મોદી કેમ ખાલી નથી કરતા? કોંગ્રેસનો સવાલ

PC: navbharattimes.indiatimes.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મોદી સમાજના અપમાનનો માનહાનિ કેસ કરનાર સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સામે હવે કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીના આ કેસની સુનાવણી પહેલા કોંગ્રેસે પૂર્ણેશ મોદીની નૈતિકતા સામે સવાલ કરીને બોંબ ફોડી દીધો છે કે મંત્રી નથી છતા હજુ સુધી મંત્રી તરીકે મળેલો બંગલો ખાલી કેમ નથી કરતા? કોંગ્રેસે કહ્યું કે, રાહુલ ગાંધીએ તો નૈતિકતા દાખવીને બંગલો ખાલી કરી દીધો છે. કોંગ્રેસે પૂર્ણેશ મોદી સહિત અન્ય મંત્રીઓના પણ નામ આપ્યા છે જેમણે સરકારી બંગલા ખાલી કર્યા નથી.

ભાજપના નેતા અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો જેને કારણે રાહુલ ગાંધીએ અનેક વખત સુરતના ચકકર કાપવા પડ્યા હતા. એ પછી 23 માર્ચે સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષિત માનીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જેની સામે રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમા આ ચુકાદાને પડકાર્યો હતો. પરંતુ સેશન્સ કોર્ટમાં પણ રાહુલને હાર મળી હતી. એ પછી હવે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં 25 એપ્રિલે અપીલ કરી હતી તેની સુનાવણી થવાની છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઉંઘ હરામ કરી દેનાર પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસે દાવ લીધો છે. રાહુલ ગાંધીનું સાંસદ પદ ગયા પછી તેમણે બંગલો ખાલી કરી દીધો એ પછી કોંગ્રેસ એવી માહિતી શોધી લાવ્યું કે પૂર્ણેશ મોદીએ હજુ સુધી બંગલો ખાલી કર્યો નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સામે નિશાન સાધીને કહ્યું છે કે, રાહુલ ગાંધી જેમના પૂર્વજ જવાહરલાલ નેહરુએ પોતાનો આનંદ ભવન બંગલો આઝાદીની લડત માટે દેશને સમર્પિત કર્યો હતો અને આઝાદી પછી તેને ભારતને વિધિવત રીતે સોંપી દીધો હતો. આજે રાહુલ ગાંધી પાસે એક પણ ઘર નથી. રાહુલ ગાંધીએ ઇમાનદારી અને નૈતિકતાની સાચી દિશા નક્કી કરી છે. રાવલે કહ્યુ કે કેન્દ્ર અને રાજયમાં મનમાની વાળા સરકાર ચાલી રહી છે. હેમાંગ રાવલે સવાલ પુછ્યો હતો કે ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ગાંધીનગરમાં ગર્વનર હાઉસની સામેનો બંગલો હજુ સુધી ખાલી કેમ નથી કર્યો? સાથે કહ્યુ હતું કે જીતુ ચૌધરી, કિરિટ રાણા, વિનુ મોરડીયાના નામ પણ સામેલ છે, જેમણે બંગલા ખાલી નથી કર્યા.

પ્રદેશ કોંગ્રેસ સરકાર પાસે માંગ કરે છે કે નૈતિક રીતે તેમના બંગલા ખાલી ન કરનારા તમામ મંત્રીઓને ખાલી કરાવવાની નોટિસો આપવામાં આવે અને જાહેર નાણાંની હેરાફેરી અટકાવવા કાયદાકીય પગલાં ભરે અને બંગલા કાયદેસર રીતે ખાલી કરે અને જનતાને ખાતરી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp