સુરતમાં નવા વર્ષે 19 વાહનોમાં લાગેલી આગને લઈને થયો મોટો ખુલાસો, પેટ્રોલ ચોરતા...
શહેરના ઉધના વિસ્તારમાં નવા વર્ષના દિવસે અપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલા લગભગ 19 વાહનોમાં લાગેલી આગની ઘટનામાં ઉધના પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનાનું કોકડું ઉકેલી કાઢ્યું છે અને એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસની તપાસમાં ત્રણેય આરોપીઓ રાત્રે અપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરી રહ્યા હતા. એ દરમિયાન પોતાની પાસે રહેલી સિગારેટની ચિંગારી નીચે પડતા આગની આ ઘટના બની હતી. હાલમાં પોલીસે સગીર સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
નવા વર્ષે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અપાર્ટમેન્ટ નીચે લાગેલી આગની ઘટનામાં 19 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું હતું. નવા વર્ષે લાગેલી આગની આ ઘટનામાં તમામ વાહનો બળીને રાખ થઈ ગઈ હતા. આ ઘટના ફટાકડાના કારણે લાગી હોવાનું અનુમાન સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવેલી CCTV ફૂટેજની અંદર કેટલાક લોકો દ્વારા આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા અક્ષરકુંજ અપાર્ટમેન્ટ નીચે લાગેલી આગની આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલી CCTV ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ લોકો ભેગા થઇને આવ્યા હતા. આ લોકોની હલચલ શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ ટીમો બનાવીને કામે લગાડી દેવામાં આવી હતી. આ દરમિયાન ઉધના પોલીસે આ ઘટનામાં ગુનો દાખલ કરી આયુષ કુસાવાહ, ઉર્વેશ સહિત એક સગીર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઉધના પોલીસ દ્વારા આ ત્રણે આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, નવા વર્ષના દિવસે આ ત્રણેય અક્ષરકુંજ અપાર્ટમેન્ટ નીચે કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરી રહ્યા હતા.
જે દરમિયાન ત્રણમાંથી એક આરોપીના હાથમાં સળગતી સિગારેટ હતી. જે સળગતી ચિંગારી નીચે પડતા અચાનક ભડકો થયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નીચે પાર્ક કરેલા વાહનો પણ ઝપેટમા આવી ગયા હતા. જ્યારે પહેલા માળે આવેલા એક ફ્લેટમાં પણ આગ પ્રસરી જતા નુકસાન થયું હતું. આરોપીઓની બેદરકારી અને પેટ્રોલ ચોરીના કારણે બનેલી આ ઘટનાને પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી હતી. જ્યાં પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણે આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલમાં તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp