નકલી નોટના બંડલમાં ઉપર અસલી નોટ મૂકી પધરાવતી ગેંગ 4 કરોડની નકલી નોટ સાથે પકડાઈ

PC: divyabhaskar.co.in

સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને એન્ટી ટેરીસ્ટ સ્કવોડ (ATS)એ સંયુક્ત ઓપરેશન કરીને અસલી નોટ સાથે નકલી નોટ ભેળવી દેવાનો ખેલ પકડી પાડ્યો છે. પોલીસે 4 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે 6ની ધરપકડ કરી છે. નકલી નોટની સાથે પોલીસે 50 જેટલી સોનાની લગડી અને 10 સિલ્વરની લગડી પણ જપ્ત કરી છે. આ આખો ખેલ એક શોપિંગ સેન્ટરમાં ચાલતો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે કેટલાંક લોકો અસલી નોટના બંડલની વચ્ચે બાળકો જે પ્રોજેક્ટ માટે કે રમવા માટે જે ચલણી નોટ વાપરતા હોય છે તેવી નોટ વચ્ચે મુકી દેતા હતા અને લોકોને પધરાવી દેતા હતા. આ બાબતની માહિતી મળતા SOG અને ATSની ટીમે સંયુક્ત દરોડા પાડીને ખેલ કરનારાઓને ઝડપી પાડ્યા છે.

DCPએ કહ્યુ કે, અમરોલી વિસ્તારમાં આવેલા 99 શોપિંગ કોમ્પલેક્સમાં અસલી ચલણી નોટોની સાથે દુકાનોમાં બાળકોના પ્રોજેક્ટ માટે મળતી નોટ મુકી દેવાનો કારસો ચાલતો હતો. આરોપીઓ લોકોને સંપર્ક કરીને જે તે સ્થળ પર બોલાવતા હતા અને એ પછી પોલીસ આવી જશે એવો ડર બતાવીને નોટના બંડલ ભરેલી બેગની આપ લે કરી લેતા હતા.

ભેજાબાજોના આવી છેતરપિંડીના ખેલની માહીતી મળતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 2,000 અને 500ના જરની કુલ 4 કરોડથી વધારે રકમ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી સોનાની 50 અને ચાંદીની 10 લગડી પણ મળી આવી છે.

પોલીસે કહ્યું હતું કે નકલી નોટો પધરાવવા માટે આ આરોપીઓએ અલગ અલગ પાર્ટીઓ સાથે વાતચીત શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી કોઇ મોટી ડીલ કરવામાં ન આવી હોવાનું આરોપીઓ જણાવી રહ્યા છે. અત્યારે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને  આ નોટ તેથી ક્યાં લાવતા હતા અને કોની કોની સાથે ડીલ કરવાનો પ્રયાસ કર્યો હતો એ બધી બાબતોની પુછપરછ કરવામાં આવશે.

કેટલાંક લોકો ઝડપથી કમાણી કરવાની અને રાતોરાત લખપતિ કે કરોડપતિ બનવાની લ્હાયમાં  અવળે રસ્તે ચઢી જતા હોય છે. નકલી નોટનો વેપાર કરનારા તો અનેક વખત પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. છતા પણ નકલી નોટ પધરાવવાના ખેલ ચાલતા જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp