પોતાની જ પાર્ટીની સરકાર છતા MLA કુમાર કાનાણી જન આંદોલનની ચીમકી આપી, આ છે મામલો
વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખીને ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓની સમસ્યાના ઉકેલ નહીં આવશે તો જન આંદોલન કરવામાં આવશે, જેની નોંધ લેશો. ધારાસભ્ય કુમાર કાનાણી વરાછા વિસ્તારના લોકોના અનેક પ્રશ્નો માટે લડત આપતા રહેતા હોય છે.
કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકા, કાર્યપાલક ઇજનેર, ફાયલેરિયા વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે, મારા એરિયામાં ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓના લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાનાણીએ લખ્યું છે કે, વર્ષોથી આ સમસ્યા માટે અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત કરવા માટે કોઇ પણ ઝડપી કે નકકર પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્ર દ્રારા કામગીરીનો કોઇ રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.
કુમાર કાનાણીએ આગળ લખ્યું છે કે, જ્યારે અધિકારીઓને પુછવામાં આવે છે તો તેઓ મને ફોન પર એટલું કહે છે કે, કામ ચાલું છે, થઇ જશે. પરંતુ સમસ્યા એ છે કે કામ થતા નથી. હવે લોકો આ સમસ્યાથી કંટાળી ગયા છે અને મારી પાસે રજૂઆત કરવા માટે આવે છે.
કુમાર કાનાણીએ કહ્યું કે, લોકો હવે મને જન આંદોલનની ધમકી આપી રહ્યા છે. જો ખાડીની સમસ્યાનું નિવારણ નહીં આવશે અને લોકો જન આંદોલન કરશે તો નાછુટકે મારે પણ જોડાવું પડશે. આ અગાઉ કાનાણીએ ટ્રાફીક પોલીસ લોકો પાસે દંડની રકમ ઉઘરાવતી હતી તેનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ કુમાર કાનાણીએ એક પત્રમાં એવું પણ લખ્યું હતું કે 25 વર્ષથી અમારા કામ થતા નથી.
કુમાર કાનાણીના પત્ર પરથી એ વાત સામે આવે છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છે, કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય છે, છતા તેમના કામ જો થતા નથી તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે? જો કે કેટલાંક લોકોનું એવું પણ કહેવું છે કે, કુમાર કાનાણી પત્ર લખીને એવી ઇમેજ ઉભી કરી રહ્યા છે કે તેઓ લોકોના કામ કરી રહ્યા છે, પરંતુ ,હકીકતમાં એ બહાને તેઓ દર લખતે ચૂંટણી જીતી જાય છે. પત્ર લખવાનો તેમનો માત્ર સ્ટંટ છે. કોરોના મહામારી વખતે પણ કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હતા છતા લોકોના કામ થતા નહોતા એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp