મારે રૂપિયા ખાવા હોય તો ઘણા રસ્તા છે, નનામા પત્રથી ગુજરાતના ભાજપ સાંસદ ગિન્નાયા

આદિવાસી વિસ્તારમાં છેલ્લી છ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઇને આવતા અને ભાજપના સિનિયર નેતા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો છે, એ વિશે તેમણે પોતાની હૈયાવરાળ ઠાલવી છે અને કહ્યું છે હું ખાલી નાક દબાવું તો કરોડો રૂપિયાની કમાણી કરું શકું તેમ છું.મારે ભ્રષ્ટાચાર જ જો કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે, શું નગર પાલિકા કે નરેગામાં હાથ નાંખું?
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પુરી તૈયારી શરૂ કરી દીધી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 9 વર્ષની સફળતા વિશે ભાજપના નેતાઓ લોકોને સમજાવી રહ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભાજપે લાભાર્થી સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
મનસુખ વસાવાએ તેમની વિરુદ્ધ ફરતા થયેલા નનામા પત્ર વિશે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર કરતા બાયલાઓને હું ખુલ્લા પાડું છે અને એવા જ લોકો આવા નનામા પત્ર લખતા હોય છે. તેમનામાં હિંમત હોય તો મારી સામે આવીને ચર્ચા કરે. સાંસદે કહ્યું, મનસુખ વસાવા ભ્રષ્ટ્રાચારના ખોટા રૂપિયાને હાથ પણ લગાવતા નથી. હું સાચો છુ એટલે મારા કાર્યકરો અને મંત્રીઓ સામે ડર્યા વગર બોલું છું.
મનસુખ વસાવાએ કહ્યું કે મારી પાસે એટલી તાકાત છે કે હું એક ઉદ્યોગપતિનું પણ નાક દબાવું તો કરોડો રૂપિયાની કમાણી કરી શકું છું, પરંતુ આ મારું કામ નથી, હું સેટીંગ કરવાવાળો નેતા નથી.
મનસુખ વસાવાને જે નનામો પત્ર મોકલવામાં આવ્યો છે, તેમાં મનસુખ વસાવાને બદલે મન દુખ દાદા એવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજપીપળા નગર પાલિકાનો વહીવટ તમારા ઘરેથી થાય છે, એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તે તમને દેખાતો નથી?
પત્રમાં લખવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકરોને તમારી ચંચુપાત સામે વાંધો છે. ભરૂચ જિલ્લામાં તમારાથી સુકો પાપડ પણ ભંગાતો નથી. બે પાનાના પત્રમાં મનસુખ વસાવા વિશે અને તેમના જમાઇ વિશે બેફામ લખવામાં આવ્યું છે.
આ પત્ર વિશે મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આવા લેટર તો આવ્યા કરે. આવા કામ વિઘ્નસંતોષીઓ કરતા હોય છે. મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું ને આજે બોલવું પડ્યું. બાકી ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે.
મનસુખ વસાવાએ આગળ કહ્યું કે મારા એક રક્ત કણમાં હિંદુત્વ વસેલું છે. મારા લોહીનું એક એક ટપકું પડે તો તેમાંથી તમને હિંદુ હિંદુ એવો શબ્દ સંભળાશે. ભૂતકાળમાં પણ હિંદુની વાત કરી છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. મેં કાઇની સાથે સેટીંગ કર્યું નથી, પરંતુ સેટીંગ કરનારા લોકો જ જ્યારે આક્ષેપ કરવા માંડે ત્યારે મૌન રહેવું હિતાવહ નથી. મનસુખ વસાવાએ કહ્યું કે રાજકારણમાં જો મૌન રહ્યા, દબાઇ ગયા તો સમજી લેજો કે તમારું રાજકારણ પતી ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp