AAP ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ,પત્ની સહિત 3ની ધરપકડ, MLA ભૂગર્ભમાં

PC: facebook.com/profile.php?id=100086249456138

ગુજરાતના ભરૂચમાં આવેલા ડેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ચૈતર વસાવા સહિત 8 લોકો સામે સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઉભો કરવા, ધાક ધમકી આપવા અને નાણાં પડાવવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ધારાસભ્ય વસાવાની પત્ની સહિત 3ની અટકાયત કરી છે. ચૈતર વસાવા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડેડિયાપાડાના AAPના પાવરફુલ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 સામે આરોપ લાગ્યો છે કે તેમણે ફરજ પર હાજર વન વિભાગના અધિકારીનો યુનિફોર્મનો કોલર પકડી લીધો હતો અને ફાયરીંગ કરવાની ચિમકી આપીને કર્મચારી પાસેથી પૈસા પડાવી લીધા હતા.

ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને તેમની સામે કલમ386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમ ડરાવી ધમકાવીને રૂપિયા પડાવવા માટે લાગે છે. જેમાં 10 વર્ષની સજાની જોગવાઇ છે.

ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં ડેડિયાપાડામાં ફરજ બજાવતા વન વિભાગના કર્મચારી શિવરાજ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલા વસાવા, ડુંગર વસાવાની બે દિકરીઓ, રમેશ વસાવા, રમેશ વસાવાની પત્ની, બે અજાણ્યા લોકો અને ચૈતર વસાવાના PA અને ડુંગર વસાવાના જમાઇ આ તમામ લોકોએ સરકારી કર્મચારીના કામમાં અવરોધ ઉભો કરીને અપશબ્દો કહ્યા હતા.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચૈતર વસાવાએ વન કર્મચારીના યુનિફોર્મનો કોલર પકડીને બે લાફા ઝીંકી દીધા હતા અને પોતાની પાસેની પિસ્તોલથી હવામાં ફાયરીંગ કરીને ડુંગર વસાવા, તેમની બે દિકરીઓ સહિતના લોકોના વળતર ચુકવવા માટે ધમકી આપી હતી. ડુંગર વસાવાના જમાઇએ 60,000 રૂપિયા પડાવી લીધા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ અને તેમની અટકાતને પગલે ગુજરાતના રાજકારણમાં ભડકો થયો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની પ્રતિક્રિયા પણ આપી છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઇસુદાન ગઢવીએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ખોટી રીતે હેરાન કરવાનું કાવત્રુ ભાજપે કર્યું છે. જેમી સામે મજબુતાઇથી લડત આપવામાં આવશે. ચૈતર વસાવાના પરિવારને હેરાન કરવાનું ભાજપને ભારે પડશે.

તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના દમદાર અને લડાયક આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટ ભાજપે ખોટી ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp