સુરતના બિલ્ડરને ગ્રાહક કોર્ટની ફટકાર 84 ગ્રાહકોને 2.66 કરોડ ચુકવવા આદેશ

PC: https://www.patrika.co

ફલેટ અને દુકાનો બુકીંગ કરાવનાર ગ્રાહકોને નક્કી કરેલા સમયે કબ્જો નહીં આપનાર એક બિલ્ડરના ગ્રાહક કોર્ટે કાન આમળ્યા છે અને વ્યાજ સહિત રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે.

ગ્રાહકો પાસેથી બુકીંગના પૈસા મેળવીને પછી કબ્જો આપવા માટે ઠાગાઠૈયા કરતા સુરતના એક બિલ્ડરને ગ્રાહક કોર્ટે ફટકાર આપી છે અને 84 ગ્રાહકોને 2.66 કરોડની રકમ 15 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ આપ્યો છે.

ગ્રાહકો કોર્ટનો આ ચુકાદો અનેક લોકોને કામ લાગે તેવો છે, કારણ કે રેરા જેવા કડક નિયમો હોવા છતા કેટલાંક લેભાગૂ બિલ્ડરો ગ્રાહકોને અનેક વાર છેતરતા હોય છે. કેટલાંક બિલ્ડરો તો લોકો પાસેથી પૈસા પડાવવા માટે જ જાતજાતની લોભામણી જાહેરખબરો આપતા હોય છે અને પછી પૈસા ચાઉં કરી જતા હોય છે.

જાણવા મળેલી માહિતી મુજબ રૂદ્રાક્ષ અને રૂદ્ર વન કોર્પોરેશનના સંચાલક શૈલેષ બાદલાવાળા અને તેના ભાગીદારોએ મળીને ભેસ્તાનના જીયાવમાં રૂદ્રાક્ષ અને રૂદ્ર વન નામથી રેસિડન્શીયલ અને શોપિંગ કોમ્પલેક્સનો પ્રોજેક્ટ મુક્યો હતો. આ પ્રોજેકટ માટે બિલ્ડરે બુકીંગ શરૂ કર્યું હતું.

લોકોએ બિલ્ડર પર વિશ્વાસ મુકીને દુકાનો અને ફલેટ બુક કરાવ્યા હતા. જયારે બુકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બિલ્ડરે નક્કી કરેલા સમયે ફલેટ અને દુકાનોનો કબ્જો આપી દેવા માટે લોકોને ભરોસો આપ્યો હતો.

 આ વચ્ચે ભાગીદારો વચ્ચે વિવાદ ઉભો થયો અને મામલો કોર્ટમાં પહોંચ્યો. બીજી તરફ જે લોકોએ દુકાન અને ફલેટના બુકીંગ કરાવ્યા હતા તેમને સમય પુરો થવા છતા કબ્જો નહીં મળતા અકળાયા હતા. અનેક વખત પુછપરછ કરવા છતા બિલ્ડર ન તો કબ્જો આપતો હતો કે ન તો રૂપિયા પરત કરતો હતો. આ પ્રોજેક્ટમાં એક બે નહી, પણ કુલ 84 લોકોએ બુકીંગ કરાવ્યા હતા.

 લાંબા સમય સુધી રાહ જોયા પછી ગ્રાહકોએ એડવોકેટ મોના કપુર મારફતે બિલ્ડર અને તેના ભાગીદારો વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં કેસ કર્યો હતો. અંતિમ સુનાવણી પછી, કોર્ટે ગ્રાહક સેવામાં થયેલા નુકશાનને ધ્યાનમાં રાખીને ફરિયાદ મંજૂર કરી હતી અને ગ્રાહકોને 2.66 કરોડ રૂપિયા 15 ટકા વ્યાજ સાથે ચુકવવા માટે બિલ્ડરને આદેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp