કોંગ્રેસના સુરતના નેતા અસલમ સાઇકલવાલાની પાસા હેઠળ ધરપકડ, રાજકીય ગરમાટો, ભાજપના..

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં સુરતના પૂર્વ વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડનાર અને લડાયક નેતા તરીકે જાણીતા અસલમ સાયકલવાલાની પાસા હેઠળ ધરપકડ થતા સુરતમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. પાલિકાની પેટા ચૂંટણી પહેલા સાયકલવાલાની ધરપકડ થવાને કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સામે નિશાન સાધ્યું છે.
સુરત કોંગ્રેસમાં અસલમ સાયકલવાળાની ઇમેજ એક લડાયક નેતા તરીકેની છે. સુરત કોંગ્રેસ આમ તો ખાસ ઉકાળી શકતું નથી, પરંતુ અસલમ સાયકલવાળા નિયમિત રજૂઆતો કે ભાજપ સામે લડત આપતા રહે છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને વિધાનસભા 2022ની ચૂંટણી લડનારા અસલમ સાયકલવાળા સામે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં પોલીસે અસલમની પાસા હેઠળ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અસલમ સાયકલવાળાની બુધવારે મોડી રાત્રે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થતાની સાથે કોંગ્રેસ નેતા સાયકલવાળાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને લખ્યું હતું કે, આઇ પ્રાઉડ ટુબી કોંગેસ મેન, આઇ લવ ઇન્ડિયા, ડરો મત.
સુરત કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા સામે સલાબતપુરા, અડાજણ, વગેર પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી એક પછી એક ફરિયાદો કરવામાં આવી રહી હતી. જેમાં ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો હતો. પરંતુ બુધવારે રાત્રે તેમની પાસા હેઠળ પોલીસે ધરપકડ કરીને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં મેડિકલ ચેકઅપ કર્યા બાદ પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે.
કોંગ્રેસ આને રાજકીય મુદ્દો ગણી રહી છે. સુરત કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના ઇશારે અસલમ સાયકલવાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ કહ્યું કે, અસલમ સાયકલવાળા એ કોગ્રેસના સક્રીય નેતા છે અને તેમની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો અમે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અમારો અવાજ દબાવવા માટે ભાજપ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરે છે. કોઇ પણ રીતે કોંગ્રેસને ડરાવવા અને ધમકાવવા માંગે છે. સુરત કોંગ્રેસના નેતાઓએ અસલમ સાયકલ વાળાના વિરોધમાં પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અસલમ સાયકલ વાળા લોકોના પ્રશ્નો કે ભાજપની ભૂલો સામે અવાર નવાર તંત્રનો કાન આમળતા રહે છે અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp