સુરત: આ છોકરીના ભોળા ચહેરા પર ન જતા, પોલીસે 1.50 કિલો ગાંજા સાથે ધરપકડ કરી
થોડા દિવસો પહેલા સુરત પોલીસ કમિશ્નરની કચેરીના કેમ્પસમાં આપઘાતનો પ્રયાસ કરીને બબાલ ઉભી કરનાર અને પોલીસ પૈસા પડાવે છે તેવો આક્ષેપ કરનાર યુવતીની પોલીસે પોલ ખોલી નાંખી છે. ભોળો ચહેરો ધરાવતી યુવતી તો ગાંજાનો મોટા પાયે ધંધો કરનારી નિકળી. પોલીસે ગાંજાના કેસમાં બે મહિલાઓની ધરપકડ કરી છે. બે મહિલાની ધરપકડ પરથી એ વાત સામે આવી છે કે હવે ડ્રગ્સના કાળા કારોબારમાં મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં અનિતા સોલંકી નામની યુવતીએ પોલીસ કમિશ્નર ઓફીસ પરિસરમાં ભારે હંગામો મચાવ્યો હતો અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.અનિતાએ પોલીસ પર બેફામ આક્ષેપો પણ કર્યા હતા.
જો કે પોલીસે રાની ઉર્ફે રેખા સિંગ નામની મહિલાની ધરપકડ કરી ત્યારે અનિતાની પોલ ખુલી ગઇ હતી. રેખા સિંગે કહ્યું કે અનિતા અને અન્ય એક વ્યક્તિની પાસેથી તે ગાંજો વેચવા લાવતી હતી.
સુરત શહેર પોલીસ અત્યારે ‘ No Drug’ કેમ્પેઇન ચલાવી રહી છે. પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે ગોવર્ધન નગરમાં બીજા માળે એક મહિલા ગાંજાનો વેપલો કરી રહી છે.પોલીસે રેખા સિંગના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેના ઘરમાંથી 1 કિલો 857 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પાંડેસરા પોલીસે રેખાની ધરપકડ કરી અને પુછપરછ શરૂ કરી તો તે પોપટની જેમ બધું બોલી ગઇ હતી. રેખાએ પોલીસને કહ્યુ હતું કે ગાયત્રી નગર સોસાયટીમાં રહેતી અનિતા સોલંકી ઉર્ફે મારવાડી અને શ્રવણ સોલંકી રહે છે. પોલીસે અનિતાની પણ ધરપકડ કરી લીધી છે.
આ એજ અનિતા સોલંકી છે જેણે સુરત પોલીસ કમિશ્નર ઓફીસના પરિસરમાં હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે મારામારીના કેસમાં મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. પોલીસે મારા ભાઇની ધરપકડ કરી છે. મારા ભાઇને છોડાવવા માટે પોલીસ મારી પાસે રૂપિયાની માંગણી કરી છે. અનિતાએ એ પછી જ્વલનશીલ પદાર્થ ખાઇને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. હવે પોતે જ ડ્રગ્સના કેસમાં ફસાઇ ગઇ છે.
પોલીસે શ્રવણ સોલંકીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કહ્યું હતું કે રેખા શ્રવણ મારવાડીના ઘરે ઘરકામ કરવા જતી હતી. શ્રવણ અને અનિતા બંને ભાઇ બહેન છે. શ્રવણ-રેખાએ તેને ગાંજોનો ધંધો કરવા માટે સમજાવી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp