સુરત: 118 કરોડના ખર્ચે હજુ 40 દિવસ પહેલા ખુલ્લા મુકાયેલા પુલ પર ગાબડા પડી ગયા

PC: news18.com

હજુ તો 40 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલા અને 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો સુરતનો વેડ- વરિયાવ પુલ પર વરસાદની પહેલી ઇનિંગમાં જ ગાબડાં પડી ગયા હતા. જાગૃત નાગરિકો એ ગાબડાં વિશે જાણકારી આપતા સદનસીબે પુલ પર મોટી દુર્ઘટના થતી અટકી ગઇ છે. આ બ્રીજ પરના ગાબડાંનો વીડિયો વાયરલ થતા સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ગંભીર બેદરકારીને નજર અંદાજ કરી શકાય તેમ નથી. પ્રજાના પૈસે કરોડા રૂપિયાના ખર્ચે જ્યારે બ્રીજ બનતા હોય અને સલામતી ન હોય તે તો કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.

સુરત મહાનગર પાલિકા દ્રારા વેડ અને વરિયાવ વચ્ચે પુલ બનાવવામાં આવ્યો છે.પુલની કુલ લંબાઈ 1444.50 મીટર છે. આ 4 લેનનો પુલ છે જે 32 મહિનાની સમય મર્યાદામાં તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર વિજય મિસ્ત્રી કન્સ્ટ્રક્શન પ્રા.લિ દ્રારા પુલ બનાવવામાં આવ્યો હતો. હજુ 18 મેના દિવસે આ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 40 દિવસમાં જ બ્રિજનો વરિયાવ બાજુ ઉતરવાનો એપ્રોચમાં 3 ફૂટ સુધીનો રસ્તો બેસી જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે લોકોમાં પણ તંત્રની આવી કામગીરીને લઈને રોષ જોવા મળ્યો છે. મહત્ત્વનું છે કે, સુરતમાં છેલ્લા એક મહિનામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.

સુરત આખા દેશમાં બ્રિજ સિટી તરીકે જાણીતું છે, પુરંતુ પુલ બનાવવામાં ગોબાચારીના અનેક કિસ્સાઓ સામે આવવા છતા પાલિકાના તંત્રનું કે ભાજપના નેતાઓના પેટનું પાણી હાલતું નથી. અનેક બ્રીજમાં તિરાડ, ભાગ તુટી જવો એ સામાન્ય બાબત બની ગઇ હોય તેવું લાગે છે. સદનસીબે વેડ વરિયાવ પુલ પર ગાબડાં પડ્યા ત્યારે કોઇ જાનહાની થઇ નથી.

વેડ વરિયાવ પુલની ઘટનાનો વીડિયો વાયરલ થતા પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી પુલ પર પહોંચ્યા હતા અને તેમણે ઘટનાની જાણકારી મેળવી હતી. ભંડેરીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ શાસકો ભ્રષ્ટાચારમાંથી ઉંચા આવતા નથી. પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ લઇને માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે. 118 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ ખર્ચ્યા પછી પણ જો પુલની આવી સ્થિતિ હોય તો તે દુખદ બાબત છે.

જો કે થોડા દિવસો સુધી ઉહાપોહ થશે. રાજકારણ  ચાલશે, પછી ભધું ઠેરનું ઠેક થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp