વસંત ગજેરાના સચિન GIDCના 600 કરોડ પ્રકરણ અંગે વિજિલન્સની તપાસ પણ ચાલી રહી છે

સચીન GIDCમાં વસંત ગજેરાના લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સના પ્રોજેક્ટ માટે 600 કરોડ રૂપિયાના દંડની ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. GIDCએ લક્ષ્મી ઇન્ફ્રાને આપેલી નોટીસમાં કેટલીક શરતો રાખવામાં આવી છે, જેમાં એક મુદ્દો એ છે કે GIDC દ્રારા રહેણાંક તેમજ ઔદ્યોગિક હેતુ વપરાશ માટે જે મંજૂરી આપવામાં આવેલી છે તે માટેનું પ્રકરણ ગુજરાત તકેદારી આયોગમાં પડતર હોય તેનું જે કંઇ પણ નિરાકરણ આવે તે આપને બંધનકર્તા રહેશે તેવું નોટરાઇઝ કરેલું બાંહેધરીખત રજૂ કરવાનું રહેશે. આ એક ચોંકાવનારી વાત છે. એનો મતલબ એ છે કે આ કેસ ગુજરાત તકેદારી આયોગ એટલે કે ગુજરાત વિજિલન્સમાં પણ થયેલો છે.
ગુજરાત તકેદારી આયોગ વિભાગની વાત કરીએ તો સામાન્ય વહીવટી વિભાગના તા. 17 એપ્રિલ 1964ના ઠરાવ હેઠળ ગુજરાત તકેદારી આયોગની રચના થયેલી છે. આયોગ જાહેર સેવક સામે લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા તથા સત્તાના દુરપયોગને લગતી તમામ ફરિયાદો અંગે તપાસ પર દેખરેખ રાખીને મળેલા અહેવાલ અન્વયે સ્વતંત્ર, ન્યાયિક અને તટસ્થ ભલામણ, અભિપ્રાય સંબધિત વિભાગો અને શિસ્ત અધિકારીઓને આપે છે.
GIDCએ વસંત ગજેરાની લક્ષ્મી ઇન્ફ્રાને નિયમોનું પાલન નહીં કરવા બદલ 600 કરોડ રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપી છે. ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે 600 કરોડ રૂપિયાનો દંડ હોય તો જમીનની વેલ્યુએશન કેટલી હશે?
GIDCએ 2 ટકા લેખે દંડ કરેલો છે એટલે એ રીતે જો ગણતરી કરીએ તો જમીનની વેલ્યુએશન લગભગ 30,000 કરોડ રૂપિયા જેટલી થાય, જો કે, GIDC એ 2 ટકાના દંડની સાથે અન્ય કેટલાંક ખર્ચ પણ ઉમેરેલા છે.
નોટિસમાં જણાવ્યા મુજબ જોગવાઇ અનુસાર પ્રવર્તમાન વિતરણ દરના 2 ટકા લેખે દંડની રકમ તેમજ પ્રવર્તમાન નીતિ મુજબ પેટા વિભાજન ફી અને અને એકત્રીકરણ ફી વસુલવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.લક્ષ્મી ઇન્ફ્રાને રકમની ગણતરીનેં એનેક્સર મોકલવામાં આવ્યું છે.
હવે GIDCએ લક્ષ્મી ઇન્ફ્રાને જે નોટિસ મોકલી છે તેમાં જે સામાન્ય શરતો રાખવાની છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જો આપના દ્રારા નિગમની નીતિ નિયમ મુજબના પુરાવા રજૂ કરવામાં આવશે તો પેટા વિભાજન ફી અને વણ વપરાશી દંડકીય રકમમમાં ફરેફાર અથવા ઘટાડાને અવકાશ છે.
નોટિસમાં કહેવા મજુબ, આપે સુડો ઓફિસમાંથી કોમર્શિયલ હેતુ માટેનો પ્લાન પાસ કરાવેલો છે. વાણિજ્ય હેતુ માટેના વપરાશની મંજૂરી આપી શકાય કે કેમ? તે બાબતે નિગમ દ્રારા જે નિર્ણય કરવામાં આવશે તે તમને બંધનકર્તા રહેશે.
સુડા કચેરી દ્રારા, રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્ય હેતુ માટે નકશા મંજૂર કરવામાં આવ્યા છે,GIDC દ્રારા કોઇ પણ આ પ્રકારના હેતુફેરની મંજૂરી આપવામાં આવી નથી.
તકેદારી આયોગમાં કેસ મામલે જીઆઇડીસીના રિજનલ મેનેજર જીએમ પરમારે કહ્યું કે તકેદારી આયોગમાં આ પ્રકરણ છે તે સાચી વાત છે. પરંતુ તે અંગે વધુ જાણકારી તમને સોમવારે આપી શકીશ.
ઉલ્લેખનીય છે કે આ જમીન અંગે વસંત ગજેરાનું કહેવું છે કે તેમણે તે સી.આર. પાટિલ પાસેથી ખરીદી હતી. એટલે તેમાં કોઇ દંડની રકમ ભરવાની થતી જ નથી. હવે આ પ્રકરણમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ થાય તો ઘણી હકીકતો સામે આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp