
ટીમ ઈન્ડિયા હાલમાં જ બાંગ્લાદેશ પ્રવાસ પરથી પરત ફરી છે. આ પ્રવાસમાં બંને ટીમોની વચ્ચે 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાઈ હતી. આ ટેસ્ટ સીરિઝમાં એક યુવા બેટ્સમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ખેલાડી બંને ટેસ્ટ મેચના પ્લેઈંગ 11મા પોતાનું સ્થાન નહીં બનાવી શક્યો હતો. આ ખેલાડીએ હવે ભારત પરત ફરતા જ રણજી ટ્રોફીમાં એક ધમાકેદાર ઇનિંગ રમી છે, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ બની રહ્યો છે.
ભારત પરત ફરતા જ આ ખેલાડીએ રમી મોટી ઇનિંગ
બાંગ્લાદેશની સામે ટેસ્ટ ઇનિંગમાં ટીમ ઈન્ડિયાની કમાન KL રાહુલે સંભાળી હતી. તેની કેપ્ટનશીપમાં યુવા ખેલાડી અભિમન્યુ ઇશ્વરન આખી ઇનિંગમાં બેન્ચ પર બેઠેલો જોવા મળ્યો હતો. અહીં તમને જણાવી દઇએ કે, અભિમન્યુ ઇશ્વરને ટીમ ઇન્ડિયા માટે હજુ સુધી ડેબ્યૂ મેચ નથી રમી. જો કે, તેણે હવે રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતી વખતે સદી ફટકારી છે, અને ફરી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું છે.
અભિમન્યુ ઇશ્વરન નાગાલેન્ડના બોલરો પર પડ્યો ભારે
અભિમન્યુ ઇશ્વરનનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર ફોર્મ ચાલુ છે. તેણે રણજી ટ્રોફી 2022-23મા નાગાલેન્ડની સામે રમાઈ રહેલી મેચની પ્રથમ ઈનિંગમાં 218 બોલનો સામનો કરીને 170 રન બનાવ્યા છે. આ દરમિયાન અભિમન્યુ ઇશ્વરનની બેટથી કુલ 16 ચોગ્ગા જોવા મળ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અભિમન્યુ ઇશ્વરનની આ સતત ચોથી સદી પણ છે. જો કે, આ શાનદાર રમત બાદ પણ તે ટીમ ઈન્ડિયામાં પોતાની પ્રથમ તકની રાહ હજી સુધી જોઈ રહ્યો છે.
વિરાટની કેપ્ટનશીપમાં પણ બન્યો ટીમનો ભાગ
ટીમ ઈન્ડિયામાં આ પહેલી તક નથી જ્યારે અભિમન્યુ ઈશ્વરન સ્કવોડનો ભાગ બન્યો હોય. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલ મેચ દરમિયાન પણ ટીમ ઈન્ડિયાની સાથે ઈંગ્લેન્ડ ગયો હતો, અને તે સમયે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો. આ સાથે જ, અભિમન્યુ ઈશ્વરનને હાલમાં જ બાંગ્લાદેશની સામે ભારત A ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી હતી અને તેણે એક બેટ્સમેન તરીકે પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp