રહમાનુલ્લાહ ગુરબાજે એક ઝટકામાં સચિન, ધોની અને બાબર આઝમના આ રેકોર્ડ તોડ્યા

PC: twitter.com

પાકિસ્તાન વિરુદ્ધ બીજી વન-ડેમાં ભલે અફઘાનિસ્તાની ટીમને 1 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેણે પહેલી મેચની નિરાશાજનક હાર બાદ કમબેક કર્યું, તે હકીકતમાં પ્રશંસાપાત્ર હતું. પાકિસ્તાની ટીમ વિરુદ્ધ પહેલી વન-ડેમાં 59 રનો પર ઓલઆઉટ થઈ ગયા બાદ અફઘાની ટીમ સ્કોર બોર્ડ પર 300 રન બનાવ્યા. ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં રહમાનુલ્લાહ ગુરબાજે મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે 14 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી 151 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે પોતાની આ ઇનિંગના દમ પર ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો પણ એક રેકોર્ડ તોડી નાખ્યો.

આ રેકોર્ડ છે 21 વર્ષની ઉંમરમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓનો. અફઘાનિસ્તાન માટે 23 વન-ડે મેચ રમી ચૂકેલા રહમાનુલ્લાહ ગુરબાજની આ 50 ઓવર ફોર્મેટમાં પાંચમી સદી હતી. તેની સાથે જ 21 વર્ષની ઉંમરમાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર કરતા વધુ સદી ફટકારી દીધી. સચિન તેંદુલકરે પોતાની કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરમાં કરી હતી, પરંતુ તેઓ 21 વર્ષની ઉંમર સુધી માત્ર 4 જ સદી ફટકારી શક્યા હતા. આ લિસ્ટમાં દક્ષિણ આફ્રિકન વિસ્ફોટક બેટ્સમેન ક્વિન્ટન ડી કોક અને શ્રીલંકન ક્રિકેટર ઉપુલ થરંગા 6 સદીઓ સાથે ટોપ પર છે.

21 વર્ષની ઉંમરમાં સૌથી વધુ વન-દે સદી લગાવનાર ખેલાડી:

ક્વિન્ટન ડી કોક: 6 સદી.

ઉપુલ થરંગા: 6 સદી

રહમાનુલ્લાહ ગુરબાજ: 5 સદી

સચિન તેંદુલકર: 4 સદી

ઈબ્રાહીમ જાદરાન: 4 સદી

શહરયાર નફીસ: 4 સદી

પૉલ સ્ટર્લિંગ: 4 સદી.

રહમાનુલ્લાહ ગુરબાજ આ સદી સાથે પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારનારો પહેલો અફઘાની ખેલાડી બની ગયો છે. તેની સાથે જ તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો પણ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. રહમાનુલ્લાહ ગુરબાજ અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીના નામે પાકિસ્તાન વિરુદ્ધ વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ હતો. વર્ષ 2005માં મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાન વિરુદ્ધ 148 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પરંતુ હવે ગુરબાજે 151 રનોની ઇનિંગ રમીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

રહમાનુલ્લાહ ગુરબાજે 23 ઇનિંગમાં 5 સદી ફટકારીને બાબર આઝમનો રેકોર્ડ પણ તોડી દીધો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પોતાના વન-ડે કરિયરમાં 5 સદી ફટકારવા માટે 25 ઇનિંગ લીધી હતી, પરંતુ તેનાથી 2 ઇનિંગ ઓછી એટલે કે 23 ઇનિંગમાં જ રહમાનુલ્લાહ ગુરબાજ બાબર આઝમથી આગળ નીકળી ગયો છે. વન-ડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 5 સદી ક્વિન્ટન ડી કોકે 19 ઇનિંગમાં ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp