
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી વચ્ચેની પ્રતિસ્પર્ધામાં એક નવો અધ્યાય ગુરુવારે ઉમેરાશે જ્યારે તેઓ પ્રદર્શન મેચમાં એકબીજાની આમને સામને હશે. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસર સાથે જોડાયા બાદ પોર્ટુગલના દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આ પ્રથમ મેચ હશે. 10 વર્ષથી વધુ સમયથી ચર્ચા ચાલી રહી છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી વચ્ચે કોણ શ્રેષ્ઠ છે? ડિસેમ્બર 2020 પછી પહેલીવાર બંને ગુરુવારે આમને-સામને થશે. ડિસેમ્બર 2020માં જુવેન્ટસે બાર્સેલોનાને 3-0થી હરાવ્યું હતું.
રોનાલ્ડો પ્રદર્શન મેચમાં મેસ્સીની પેરિસ સેન્ટ-જર્મન (PSG) સામે અલ હિલાલ અને અલ નાસરના ખેલાડીઓની બનેલી રિયાધ ST XI ટીમનું નેતૃત્વ કરશે. બંને સ્ટાર ફૂટબોલરોની ક્લેશ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ રિયાધના કિંગ ફહદ સ્ટેડિયમમાં રમાશે. માહિતી અનુસાર, તેની ઓનલાઈન ટિકિટ માટે 20 લાખથી વધુ અરજીઓ આવી છે. VIP 'Beyond Imagination' ટિકિટ એટલે કે મેચ માટેની ગોલ્ડન ટિકિટ સાઉદી અરેબિયાના એક બિઝનેસમેને ખરીદી છે. ફૂટબોલના ઈતિહાસની આ સૌથી મોંઘી ટિકિટ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, મુશર્રફ બિન અહેમદ અલ-ગહમાદીએ ગોલ્ડન ટિકિટ માટે 2.2 મિલિયન યુરો એટલે કે 22 કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કર્યો હતો.
ગોલ્ડન ટિકિટ માટે લગભગ 4.4 કરોડ રૂપિયાની બોલી શરૂ થઈ હતી. ગોલ્ડન ટિકિટના વિજેતાને ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવા ઉપરાંત જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટી (GEA)ના અધ્યક્ષ તુર્કી અલ શેખની બાજુમાં બેસીને મેચ જોવાની તક મળશે. આ સિવાય તે વિજેતા સમારોહમાં પણ હાજરી આપી શકશે. વિજેતા ટીમના ગ્રુપ ફોટોમાં સામેલ કરી શકાશે. ડ્રેસિંગ રૂમમાં જઈ શકે છે. રોનાલ્ડો, મેસ્સી, નેમાર અને એમબાપ્પે જેવા ખેલાડીઓને મળી શકશે અને ગાલા લંચ પણ કરી શકશે.
પેરિસ સેન્ટ જર્મેન (PSG) અને રિયાધ ST XI વચ્ચેની પ્રદર્શની મેચમાં કિલીયન એમબાપે, સર્જિયો રામોસ અને નેમાર જેવા ખેલાડીઓ પણ જોવા મળશે. આ ત્રણેય ખેલાડીઓ પેરિસ સેન્ટ જર્મેન (PSG)નો ભાગ છે. આ સિવાય ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે અપસેટ થયેલી મેચમાં ગોલ કરનાર સાઉદી અરેબિયાના સાલેમ અલ-દાવસારી અને સાઉદ અબ્દુલહમીદ પણ રમશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp