શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પણ પાકિસ્તાન નહીં આવે? PCB તરફથી આવી પ્રતિક્રિયા

PC: khabarchhe.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ નજમ શેઠીએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને લઇને ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે અને તેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જરાય ખુશ નથી. તેમનું કહેવું છે કે, જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવી રહ્યું નથી, તો શું વર્ષ 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તે નહીં આવે? BCCI સચિવ જય શાહે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.

ત્યારબાદ પાકિસ્તાનના પૂર્વ ચેરમેન રમીઝ રાજા ખૂબ નારાજ થઇ ગયા હતા અને તેમણે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપને બૉયકોટ કરવાની ધમકી આપી નાખી હતી. એ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત વિના પણ એશિયા કપ કરાવી લઇશું. તો હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન નજમ સેઠીએ પણ ભારતની નિંદા કરી છે. એક સ્પોર્ટ્સ ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે, જો તમે પાકિસ્તાન નહીં આવો અને એમ કહેશો કે તેઓ ભારત આવો તો પછી એ કયા પ્રકારનું સ્ટાન્ડર્ડ છે.

તેમણે કહ્યું કે, મારું માનવું છે કે રાજનીતિને અલગ રાખવી જોઇએ. BCCI એક સ્વતંત્ર સંસ્થા છે, પરંતુ અમારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સરકાર સાથે લિંક્ડ છે. એટલે અમારે સરકાર પાસે મંજૂરી લેવી પડે છે, પરંતુ BCCI પ્રાઇવેટ બોડી છે અને આ જ કારણે તેણે આ પ્રકારની રાજનીતિ કરવાની જરૂરિયાત નથી. ઇન્ટરવ્યૂ મુજબ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ડેવલપમેન્ટ બોર્ડે આ રોડમેપ બનાવ્યો છે અને પાકિસ્તાન તેનો હિસ્સો નથી.

તો ડિસેમ્બરમાં પાકિસ્તાનને તેને લઇને જાણકારી પણ આપવામાં આવી હતી, પરંતુ નજમ સેઠીનું કહેવું છે કે, તેમને તેની સાથે જોડેલી કોઇ પ્રકારની જાણકારી મળી નથી. તેમણે કહ્યું કે, મારી જાણકારી મુજબ અમને કહેવામાં આવ્યું નથી. અમારા માટે તો આ નિર્ણય અચાનક આવ્યો. નજમ સેઠીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ એશિયા કપ 2023ની મેજબાની પાકિસ્તાનમાં જ કરશે કે પછી ન્યૂટ્રલ વેન્યુ પર?

આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, અમે ઇચ્છીશું કે પાકિસ્તાનમાં થવું જોઇએ. ટોપ-3 નેશન (ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ) પાકિસ્તાન આવી ચૂક્યા છે. એક-બે દેશ જે રહી ગયા છે તેઓ પણ આવી રહ્યા છે. હવે કોઇ સમસ્યા નથી. આ અગાઉ જય શાહે એક નિવેદન આપ્યું હતું જેથી પૂર્વ ચેરમેન રમીઝ રાજા જરાય ખુશ નહોતા. એક તરફ તો તમે ઇચ્છો છો કે પાકિસ્તાનની ટીમ ભારતમાં આવીને વર્લ્ડ કપ રમે અને બીજી તરફ તમે કહો છો કે અમે એશિયા કપ માટે પાકિસ્તાન જવા માગતા નથી. કાલે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે ત્યારે પણ શું તમે તેમાં નહીં રમો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp