ભારતના વખાણ કરતો પાકિસ્તાની ક્રિકેટર, કહ્યુ-ભારતમાં રમું ત્યારે એવું લાગે કે...

PC: mykhel.com

પાકિસ્તાની ક્રિકેટર્સ ભારતીય પ્લેયર્સ અને ફેન્સને લઈને અવારનવાર નિવેદનો આપતા રહે છે. હવે આમાં વધુ એક નામ ઉમેરાયુ છે. પાકિસ્તાનનો સીનિયર વિકેટકીપર-બેટ્સમેન ઉમર અકમલ છેલ્લાં ઘણા વર્ષોથી એક્શન બહાર ચાલી રહ્યો છે. ભલે અકમલ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી બહાર હોય, પરંતુ પોતાના નિવેદનોથી તે અવારનવાર ચર્ચામાં બની રહે છે. અકમલ ફરી એકવાર પોતાના નવા નિવેદનને લઈને ચર્ચામાં છે, જે તેણે ભારતીય ફેન્સને લઈને આપ્યું છે. પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે ભારતીય ફેન્સના વખાણ કર્યા છે. 32 વર્ષીય ક્રિકેટરનું કહેવુ છે કે, જ્યારે પણ તે ભારતમાં રમે છે તો તેને એવુ લાગે છે કે માનો તે પોતાના જ દેશમાં રમી રહ્યો હોય.

જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાન માટે 16 ટેસ્ટ, 121 વનડે અને 84 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. અકમલે પાકિસ્તાનમાં માત્ર 2 T20 ઈન્ટરનેશનલ મેચ જ રમી છે અને બંનેવાર પોતાનું ખાતુ ખોલાવવામાં તે નિષ્ફળ રહ્યો. ઉમર અકમલે ભારતમાં 6 T20 ઈન્ટરનેશનલ અને 2 વનડે મેચ રમી છે. યૂટ્યૂબ ચેનલ પર એક પાકિસ્તાની જર્નાલિસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉમર અકમલે પાકિસ્તાની ક્રિકેટરોને સન્માન આપવા બદલ ભારતીય પ્રશંસકોના વખાણ કર્યા છે.

ઉમર અકમલે ઈન્ટરવ્યૂમાં કહ્યું, ઈન્ડિયામાં રમવું મને ખૂબ જ ગમે છે. એશિયામાં રમવું ખાસ કરીને મને ઘણુ સારું લાગે છે. અત્યારસુધી હું પાકિસ્તાનમાં હોમ સીરિઝ એટલી લાંબી નથી રમ્યો, માત્ર 2 મેચ રમ્યો છું તે પણ T20 ઈન્ટરનેશનલ. તેમા પણ અનલકી રહ્યો. પહેલી પહેલી બોલ પર આઉટ થતો રહ્યો. ઈન્ડિયામાં જ્યારે રમુ છું તો એવુ લાગે છે  જાણે પોતાના જ દેશમાં રમી રહ્યો છું. ક્રાઉડ ખૂબ જ સન્માન આપે છે બંને ટીમોને. એવુ નથી કે માત્ર ઈન્ડિયાને સન્માન આપે છે. તેઓ ત્યાં જે પણ ટીમ આવે તેને ખૂબ જ સન્માન આપે છે. ખાસ કરીને પાકિસ્તાની પ્લેયર્સને ખૂબ જ વધુ સન્માન મળે છે. મજા આવે છે ત્યાં રમવાની.

ઉમર અકમલ પાકિસ્તાન માટે છેલ્લીવાર ઓક્ટોબર 2019માં રમ્યો હતો. તેણે હાલમાં જ લાહોરમાં નેશનલ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ફરીથી ટ્રેનિંગ શરૂ કરી છે. તે ફરી એકવાર પાકિસ્તાની ટીમમાં આવવા અંગે પોઝિટિવ છે. ઉમરે કહ્યું, હું સખત ટ્રેનિંગ કરી રહ્યો છું. હું ફરી એકવાર પાકિસ્તાન માટે કમબેક કરીશ. ઈંશા અલ્લાહ. મારું બધુ ધ્યાન પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિએટર્સ માટે સારું પ્રદર્શન કરવા પર છે. જો હું સારું કરું છું, તો ક્વેટા પણ સારું કરશે અને જો સિલેક્ટર્સ સમિતિનું માનવુ છે કે હું હજુ પણ ખૂબ સારો છું, તો હું નિશ્ચિતરૂપે ફરીથી પાકિસ્તાન માટે રમીશ.

ઉમર અકમલે આગળ કહ્યું, હું મારી પત્ની, મારા દીકરા અને દીકરી માટે રમવા માંગુ છું. હું ઈચ્છું છું કે તેઓ મને મેદાનમાં રમતા જુએ. હું ફરી એકવાર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું. મારી પત્નીએ મને કહ્યું કે, મારા બાળકો મને ફરી એકવાર પાકિસ્તાનની જર્સી પહેરીને રમતા જોઈને ખૂબ જ ખુશ થશે, અને આ વાતે મને પ્રેરિત કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp