
મહિલા T20 વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો રનઆઉટ ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા 5 રનથી પાછળ રહી ગઈ હતી અને ફરી એકવાર ટ્રોફી જીતવાની ખૂબ નજીક આવી જઈને હારી જતાં આખા દેશની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હરમનપ્રીત કૌરના રનઆઉટ પર ઘણી ચર્ચા થઈ હતી. કોઈએ તેને દુર્ભાગ્ય કહ્યું, તો કોઈએ તેને બેદરકારી ગણાવી. પૂર્વ કેપ્ટન ડાયના એડુલજીએ તો સમગ્ર ટીમની ફિટનેસ પર જ સવાલ ઉઠાવ્યા હતા. હવે આ રનઆઉટને લઈને ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટર એલિસા હીલીની ટિપ્પણી સામે આવી છે.
એલિસા હીલીનું માનવું છે કે, સેમિફાઇનલમાં હરમનપ્રીત કૌરનું રન આઉટ એ નસીબ નહીં પરંતુ 'સાચા પ્રયાસ'નો એટલે કે, તેની અંદર કોશિશનો જ અભાવ હતો. અહીં તમને જણાવી દઈએ કે, પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હરમનપ્રીત અને જેમિમાહ રોડ્રિગ્સની 41 બોલમાં 69 રનની ચોથી વિકેટની ભાગીદારીના આધારે જીતની એકદમ નજીક પહોંચી હતી. પરંતુ 15મી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ, બીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે હરમનપ્રીતનું બેટ પિચ પર અટકી ગયું અને હીલીએ સ્ટમ્પની ગીલ્લીને વેરવિખેર કરી અને ભારતીય કેપ્ટનને રનઆઉટ કરી હતી. અહીંથી મેચની આખી દિશા જ પલટાઈ ગઈ હતી. અને પાંચ રનની નજીવી હારથી ભારતીય ટીમના વર્લ્ડ કપના અભિયાનનો અંત આવી ગયો.
હીલીએ આ અંગે નિવેદન આપ્યું હતું અને ટ્વિટર પર જાહેર કરાયેલા વીડિયોમાં કહ્યું હતું કે, 'આ એક વિચિત્ર મામલો છે. હરમનપ્રીત ભલે કહેતી હોય કે, તે કમનસીબી હતી, પરંતુ હું માનું છું કે તેના પ્રયત્નોમાં જ કમી હતી અને તે કદાચ ક્રીઝને પાર કરી શકી હોત. જો તેણે પ્રામાણિક પ્રયાસ કર્યો હોતે તો, તે માત્ર બે મીટરના અંતરથી જ દૂર હતી. અમને તેનો કોઈ વાંધો નથી.' હિલીનું નિવેદન સ્પષ્ટપણે ભારતીય કેપ્ટનની મજાક ઉડાવતું હતું. તે સ્પષ્ટપણે કહે છે કે, હરમનપ્રીતનું રનઆઉટ ખરાબ નસીબને કારણે નહીં, પરંતુ ખરાબ રનિંગ અથવા ખરાબ પ્રયાસને કારણે થયું હતું.
"Harmanpreet can say all she likes that it was so unlucky." 👀
— ABC SPORT (@abcsport) February 26, 2023
For all young cricketers wanting to learn the value of staying alert on the field, listen to Alyssa Healy.
100% correct.👍 pic.twitter.com/Uu46ggwiQ6
જો કે, મેચ પછી હરમનપ્રીત કૌરે પણ ભીની આંખો સાથે કહ્યું કે, હું આનાથી વધુ કમનસીબી અનુભવી શકતી નથી. પરંતુ હીલી તેને ટોણો મારવામાં પાછળ ન રહી. હીલીએ ઉમેર્યું કે, તમે કહી શકો છો કે તમે તમારી આખી જીંદગી કમનસીબ રહ્યા છો, પરંતુ તે સામાન્ય રીતે તે સમયે કરવામાં આવેલા પ્રયત્નો અને શક્તિ વિશે છે. આ બધું રનિંગ બિટ્વીન ધ વિકેટ વિશે છે. તે નાની નાની મહત્વની વસ્તુઓને લઈને વિરોધી ટીમ કરતાં વધુ સારા પ્રયાસો કરવા વિશે છે અને આ રીતે મોટી ટુર્નામેન્ટ જીતી શકાય છે. મને લાગે છે કે અમે તે ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. જો બેટ્સમેન સાથે કોઈ સમસ્યા હોય તો તે ગીલ્લીને વેરવિખેર કરવાનું ટાળે છે, પરંતુ હરમનપ્રીતના મામલે આવું નહતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp