અશ્વિને અનિલ કુંબલેના બે મોટા રેકોર્ડ તોડ્યા, પોતાના નામે કરી મોટી ઉપલબ્ધિઓ

PC: bcci.tv/videos

રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાં કેમ ગણવામાં આવે છે, તેણે અમદાવાદ ટેસ્ટ (IND vs AUS)માં ફરી એકવાર આ સાબિત કર્યું. રવિચંદ્રન અશ્વિને બીજા દિવસે બેટિંગ માટે મદદરૂપ પિચ પર પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને દાવમાં કુલ છ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગને સમેટી લેવાનું કામ કર્યું હતું. જ્યારે એવું લાગતું હતું કે ભારતીય બોલરો પાસે કોઈ યોજના નથી, ત્યારે રવિચંદ્રન અશ્વિને તેની બોલિંગથી ભારતને સફળતા તરફ લઇ ગયો અને પછી એક પછી એક વિકેટ ઝડપી લીધી. તેણે છ વિકેટ લેતી વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો એક વિશાળ રેકોર્ડ પણ બનાવ્યો અને ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો.

રવિચંદ્રન અશ્વિને ટોડ મર્ફીની વિકેટ લઈને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. અનિલ કુંબલેએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 30.32ની સરેરાશથી 20 ટેસ્ટમાં 111 વિકેટ લીધી હતી અને તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અને એકંદરે બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. જો કે હવે તેનાથી રવિચંદ્રન અશ્વિન આગળ નીકળી ગયો છે, જેણે 22 ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી છે. રવિચંદ્રન અશ્વિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથન લિયોનની પણ બરાબરી કરી લીધી છે. તેણે પણ 113 વિકેટ પોતાના નામે કરી છે.

રવિચંદ્રન અશ્વિનના 6/41ના સ્પેલની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 167.2 ઓવરમાં 480 રનમાં સમેટી લેવામાં સફળતા હાંસલ કરી હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાના અનિલ કુંબલેના રેકોર્ડને તોડવા ઉપરાંત, રવિચંદ્રન અશ્વિને તેને ઘરઆંગણે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપવાના મામલે પણ પાછળ છોડી દીધો હતો. રવિચંદ્રન અશ્વિને ભારતમાં 26 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે, જ્યારે અનિલ કુંબલેએ 25 વખત ભારતીય ધરતી પર પાંચ વિકેટ લીધી છે. એકંદર યાદીમાં રવિચંદ્રન અશ્વિન શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર રંગના હેરાથ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. બંનેએ ઘરઆંગણે 26 પાંચ વિકેટ ઝડપી છે. આ યાદીમાં ટોચ પર છે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન, જેમણે શ્રીલંકામાં 45 વખત આવું પરાક્રમ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp