એશિયા કપ: હાર્દિકને બદલે આ ખેલાડી બની શકે વાઇસ કેપ્ટન, અગરકર કરશે ટીમની જાહેરાત

PC: BCCI

પાકિસ્તાન-શ્રીલંકામાં રમાનારા એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 21 ઓગસ્ટે, સોમવારે કરી દેવામાં આવશે.ટીમની પસંદગી માટે અજીત અગરકરની આગેવાની હેઠળ સીનિયર પુરુષ પસંદગી સમિતિની નવી દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક થશે. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ થશે. એ વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે એશિયા કપમા હાર્દિક પંડ્યાને બદલે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે.એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2023 દરમિયાન થવાનો છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરની મેચોમાં રોહિત શર્માની ગેરહાજરીમાં વન-ડેમાં ટીમનું સુકાન સંભાળ્યું છે. તે  T-20 ફોર્મેટમાં પણ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પસંદગી સમિતિની બેઠકમાં દ્રવિડ ફિઝીકલ રીતે દિલ્હીમાં હાજર રહેશે, જ્યારે કેપ્ટન રોહિત મુંબઈથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ શકે છે.રાષ્ટ્રીય પસંદગીકાર શિવસુંદર દાસ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. તે હાલમાં ભારતીય ટીમ સાથે આયર્લેન્ડમાં છે.

જો રાહુલ દ્રવિડ બેઠકમાં સામેલ થાય છે તો એ BCCI પરંપરાનું ઉલ્લંઘન હશે, કારણકે ભારતીય ટીમ કોચ પસંદગી માટે થનારી બેઠકમાં સામેલ થતા નથી. રવિ શાસ્ત્રી અને અનિલ કુંબલે તેમના રાષ્ટ્રીય કોચ તરીકે તેમના કાર્યકાળમાં પસંદગી સમિતિની બેઠકનો હિસ્સો રહ્યા નથી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં, મુખ્ય કોચ રાષ્ટ્રીય પસંદગી પેનલનો ભાગ છે, પરંતુ ભારતમાં ન તો કોચ કે કેપ્ટનને પસંદગી સમિતિની બેઠકમાં વોટ આપવાનો અધિકાર છે.

જ્યાં સુધી વર્લ્ડ કપ માટે ટીમ પસંદગીની વાત છે તો ICCની સમય મર્યાદા 5 સપ્ટેમ્બર સુધીની છે. અત્યારે પસંદગીકારો માત્ર એશિયા કપ માટે જ ટીમ પસંદ કરે તેવી સંભાવના છે. ખાસ વાત એ છે કે એશિયા કપમાં જે ખેલાડીઓની પસંદગી થશે તેમાં મોટા ભાગના ખેલાડીઓ વિશ્વ કપની ટીમમાં સામેલ હશે.

એવી સંભાવના છે કે બેઠક પત્યા પછી અજીત અગરકર મીડિયા સાથે વાત કરી શકે છે. તેઓ સોમવારે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી શકે છે.

ફેબ્રુઆરી મહિનામાં ચેતન શર્માએ મુખ્ય સિલેકટર તરીકે રાજીનામું આપ્યા પછી અજીત અગરકરની પસંદગી કરવામાં આવી હતી. એ પછી BCCIએ મુખ્ય પસંદગીકાર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી નથી. એ પણ જોવું રસપ્રદ હશ કે ભારતના પસંદગીકારો 15 કે 17 સભ્યોની ટીમની પસંદગી કરે છે. વિશ્વ કપની વિરુદ્ધ એશિયા કપના નિયમ 17 સભ્યોની ટીમની પસંદગી કરવાની પરવાનગી આપે છે.

એશિયા કપ માટે સોમવારે સંભવિત આ ટીમ જાહેર થઇ શકે છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ ( વાઇસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકર, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ/ અક્ષર પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp