આવી ડબલ સેન્ચ્યુરી નહીં જોઇ હોય, શુભમન ગિલે સિક્સરોની વણઝારથી દિલી જીતી લીધા

PC: facebook.com/sportswallah

શુભમન ગિલે બુધવારે હૈદ્રાબાદમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેને પહેલી વન-ડે મેચમાં કમાલ કરી નાંખી છે. ટીમ ઇન્ડિયાના બધા ધૂંરધર ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા, પરંતુ શુભમન ગિલ મજબુત દિવાલ બનીને ઉભો રહ્યો અને 149 બોલમાં 208 રન મારીને આઉટ થયો હતો. લાંબા સમય પછી શુભમન ફુલ ફોર્મમાં આવી ગયો છે. હજુ તાજેતરમાં જ પુરી થયેલી શ્રીલંકા સાથેની ત્રીજી વન-ડેમાં પણ શુભમન ગિલે સેન્ચુરી ફટકારી હતી. તેણે હૈદ્રાબાદના મેદાન પર રનોનો વરસાદ કરી દીધો હતો.

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે ODI ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી હૈદરાબાદ વનડેમાં 145 બોલમાં 200 રન પૂરા કર્યા. વનડેમાં બેવડી સદી ફટકારનાર તે 5મો ભારતીય છે.

તેના પહેલા રોહિત શર્મા, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ઈશાન કિશન પણ ભારત માટે વનડેમાં બેવડી સદી ફટકારી ચુક્યા છે. આ સાથે જ પાકિસ્તાનના ફખર ઝમાન, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ પણ વનડેમાં 200 રન બનાવી ચુક્યા છે.

શુભમન ગિલે 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. ગિલે આ ઇનિંગમાં 9 ફોર અને 19 સિક્સર ફટકારી હતી. ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં તે આઉટ થયો હતો. હેનરી શિફલીને તેની વિકેટ મળી હતી. ગિલે લોકી ફર્ગ્યુસન સામે સતત ત્રણ છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી હતી.

શુભમન ગિલ વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો. ગયા મહિને જ ઈશાને બાંગ્લાદેશ સામે 210 રન બનાવ્યા હતા. તે સમયે ઇશાનની ઉંમર 24 વર્ષ 145 દિવસની હતી. ગિલે 23 વર્ષ અને 132 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે.

આ સાથે ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ છે. ગિલે સચિન તેંડુલકરનો 186 રનનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને પણ 1999માં હૈદરાબાદમાં આવું જ કારનામું કર્યું હતું.

ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. શુભમન ગિલ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. કેપ્ટન રોહિત શર્માએ 34 અને સૂર્યકુમાર યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. શુભમન ગિલે રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ભારતે છેલ્લી ઓવરમાં લગાતાર વિકેટ ગુમાવી હતી. હેનરી શિફલી અને ડેરેલ મિશેલે 2-2 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp