
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના અભિયાનની શરૂઆત ભલે હારથી કરી હોય, પરંતુ છેલ્લી બે મેચમાં આ ટીમે પોતાની શાનદાર રમત દેખાડતા જીત પ્રાપ્ત કરી છે. રવિવારે ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ રમતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે એક ઐતિહાસિક જીત હાંસલ કરી. ટીમના યુવા બેટ્સમેન રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સ લગાવતા ટીમને શાનદાર જીત અપાવી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સની આગામી મેચ 14 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ થશે, પરંતુ એ અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી લિટન દાસ ટીમ સાથે જોડાયો છે.
કોલકાતા નાઈટ રાઇડર્સે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું કે, લિટન દાસ પહોંચી ગયો છે. ગયા વર્ષે થયેલા IPLના મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સે લિટન દાસને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે લિટન દાસના પહોંચવાનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘પૌચે ગેચે, લિટન દા.’ બાંગ્લાદેશી ક્રિકેટ ફેન્સ અને કોલકાતાના સમર્થકોએ તેનું સ્વાગત કમેન્ટ કરતા કર્યું છે.
IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાના કેટલાક મુખ્ય ખેલાડીઓની ગેરહજરીની સમસ્યામાંથી પસાર થઈ રહી છે. ટીમમાં સામેલ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું હતું. શાકીબે ફ્રેન્ચાઇઝીને ઉપલબ્ધ ન રહેવાની જાણકારી આપી દીધી છે અને માનવામાં આવી રહ્યું છે કે લીગમાં તેની ગેરહાજરીનું કારણ ઇન્ટરનેશનલ પ્રતિબદ્ધતા અને અંગત મુદ્દા છે. એ સિવાય કોલકાતાનો નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ ઇજાના કારણે આ વખત IPLમાં કોલકાતાની ટીમનો હિસ્સો નથી અને તેની ગેરહાજરીમાં કેપ્ટન્સીની જવાબદારી નીતિશ રાણા નિભાવતો નજરે પડી રહ્યો છે.
IPL 2023 માટે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ:
રહમાનુલ્લાહ ગુરબાઝ, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનિલ નરીન, ટિમ સાઉથી, અનુકૂલ રૉય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐય્યર, એન. જગદીશન, લોકી ફોર્ગ્યૂંશન, ડેવિડ વિસે. કુલવંત ખેજરોલિયા, વૈભવ અરોડા, હર્ષિત રાણા, સુએશ શર્મા, લિટન દાસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp