- Sports
- જાડેજા પર લાગેલા બૉલ ટેમ્પરિંગના આરોપોને લઇને રવિ શાસ્ત્રીએ જુઓ શું કહ્યું
જાડેજા પર લાગેલા બૉલ ટેમ્પરિંગના આરોપોને લઇને રવિ શાસ્ત્રીએ જુઓ શું કહ્યું
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ રવીન્દ્ર જાડેજા ઉપર લાગેલા બોલ ટેમ્પરિંગના આરોપોને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે. રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયન મીડિયાને આડે હાથ લીધી અને કહ્યું કે, ન તો ઓસ્ટ્રેલિયન ટીમે તેના પર આપત્તિ દર્શાવી અને ન તો મેચ રેફરીએ આ મામલાને આગળ વધાર્યો તો પછી મુદ્દો ક્યાં બને છે? ઓસ્ટ્રેલિયન મીડિયાએ એ સવાલ ઉઠાવ્યો કે રવીન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે બૉલ સાથે છેડછાડ કરી છે.

એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જોવા મળ્યું કે મોહમ્મદ સિરાજે રવીન્દ્ર જાડેજાને કંઇક આપ્યું અને ત્યારબાદ રવીન્દ્ર જાડેજા એ પદાર્થ પોતાના ડાબા હાથની આંગળી પર લગાવતો નજરે પડ્યો. જો કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જણાવ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા પેન રીલિફ ક્રીમ પોતાની આંગળી પર લગાવી રહ્યો હતો. તે ઘણા સમય બાદ વાપસી કરી રહ્યો છે અને આ જ કારણે આંગળીઓના સોજાને ઓછો કરવા માટે તેણે આ ક્રીમ પોતાના હાથ પર લગાવી છે.
રવિ શાસ્ત્રીને એ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે તીખી પ્રતિક્રિયા આપી. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, મેં એ બાબતે વધુ સાંભળ્યું નથી. મેં 2 સવાલ પૂછ્યા શું ઓસ્ટ્રેલિયન ટીમે કોઇ આપત્તિ દર્શાવી? જવાબ છે જરાય નહીં? શું મેચ રેફરીએ તેને લઇને સવાલ ઉઠાવ્યો? તેમણે બધુ સ્પષ્ટ કરી દીધું અને મામલો અહીં જ સમાપ્ત થઇ જાય છે. આપણે બીજા લોકોની શા માટે વાત કરી રહ્યા છીએ? આમ પણ આ પીચ પર તમારે કંઇ કરવાની જરૂરિયાત નથી. બૉલ ઓટોમેટિક ટર્ન થશે.

ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસની રમત સમાપ્ત થયા બાદ રવીન્દ્ર જાડેજા, કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજરને મેચ રેફરીએ આ વીડિયો દેખાડ્યો હતો. જો કે તેમણે કોઇ આરોપ લગાવ્યો નથી, પરંતુ એટલું કહ્યું કે તેઓ બસ માત્ર ટીમને આ બાબતે સૂચિત કરવા માગતા હતા. જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી ટેસ્ટના પહેલી ઇનિંગમાં જ ઓસ્ટ્રેલિયન ટીમ 177 રન પર ઓલઆઉટ થઇ ગઇ. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં બીજા દિવસના અંત સુધીમાં 7 વિકેટ ગુમાવીને 321 રન બનાવી લીધા હતા અને બીજા દિવસના સ્ટમ્પસ સુધીમાં ભારતીય ટીમને 144 રનની લીડ મળી ચૂકી હતી.

