પાકિસ્તાની ખેલાડીએ જણાવી વિરાટ કોહલીની સૌથી મોટી નબળાઇ, નટરાજનનો કર્યો ઉલ્લેખ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરિઝની પહેલી મેચ ભારતીય ટીમે 5 વિકેટે પોતાના નામે કરી લીધી હતી. 189 રનોના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટોપ ઓર્ડરના બેટ્સમેન વહેલા જ આઉટ થઇને પોવેલિયન જતા રહ્યા હતા, પરંતુ ત્યારબાદ કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ મોરચો સંભાળતા મહત્ત્વની પાર્ટનરશિપ કરીને ટીમને જીત અપાવી દીધી. આ દરમિયાન ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચમાં સદી બનાવનાર વિરાટ કોહલી માત્ર 4 રન બનાવી શક્યો અને મિચેલ સ્ટાર્કે તેની વિકેટ પોતાના નામે કરી.
આ સંદર્ભમાં પાકિસ્તાનન પૂર્વ સ્પિનર દાનિશ કનેરીયાએ વિરાટ કોહલીની મોટી નબળાઇ પકડી છે. દાનિશ કનેરીયાએ વિરાટ કોહલીની નબળાઇને લઇને વાતચીત કરી અને કહ્યું કે, જ્યારે બૉલ પાછળ તરફ ખેચાયેલો રહે છે તો વિરાટ કોહલી ડાબા હાથના ફાસ્ટ બોલરો વિરુદ્ધ સહજ દેખાતો નથી. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મિચેલ સ્ટાર્કનો સામનો કરવા માટે પ્રેક્ટિસ કરવી પડશે, ભારતના ટીમ મેનેજમેન્ટે ટી. નટરાજન જેવા ડાબા હાથના બોલરને નેટ બોલર તરીકે લાવવો જોઇએ.
દાનિશ કનેરીયાએ વિરાટ કોહલીની આ નબળાઇનો ઉપાય પણ બતાવ્યો છે અને ટી. નટરાજનને સામેલ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી રમાશે. આ મેચ ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર આયોજિત થશે, જ્યાં કન્ડિશન ભારતીય પીચોથી અલગ રહે છે એટલે ત્યાં ફાસ્ટ બોલરોને ત્યાં ખૂબ મદદ મળશે. એવામાં ઓસ્ટ્રેલિયા પાસે મિચેલ સ્ટાર્ક સહિત પેટ કમિન્સ જેવા દિગ્ગજ ફાસ્ટ બોલર હશે, જેમનો સામનો કરવા માટે વિરાટ કોહલીએ વધારે પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત હશે. વિરાટ કોહલી હંમેશાં ડાબા હાથના ફાસ્ટ બોલરો સામે નબળો દેખાય છે. ટ્રેન્ટ બોલ્ટ, મોહમ્મદ આમિર અને મિચેલ સ્ટાર્કે તેને હંમેશાં ઇન્ટરનેશનલ સ્તર પર તંગ કર્યો છે.
વન-ડે સીરિઝની વાત કરીએ ભારત હાલમાં 3 મેચોની વન-ડે સીરિઝમાં 1-0થી આગળ છે. આજે બંને દેશો વચ્ચે બીજી વન-ડે રમાવાની છે. તો આજે ઓસ્ટ્રેલિયા માટે સીરિઝમાં બન્યા રહેવા માટે કરો યા મરોવાળી સ્થિતિ હશે. તો ભારતીય ટીમ આ મેચ જીતીને સીરિઝ પર કબજો કરવા માટે ઉતરશે. આજે ભારતીય ટીમની કેપ્ટન્સી નિયમિત કેપ્ટન રોહિત શર્મા સંભાળશે. જ્યારે પહેલી મેચમાં તે હાજર નહોતો. એવામાં જોવાનું એ રહેશે કે આજે બંને ટીમો કેવી રીતે રમે છે? કોણ બાજી મારે છે? ઓસ્ટ્રેલિયા જીતીને સીરિઝ 1-1થી બરાબર કરવામાં સફળ થાય છે કે ભારત આ મેચ જીતીને 2-0થી સીરિઝમાં આગળ નીકળીને સીરિઝ પોતાના નામે કરી લેશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp