શું ધોનીએ ચીટિંગ કરીને જીતી ગુજરાત સામેની મેચ? ફાઇનલમાંથી થઈ શકે છે બહાર

PC: mensxp.com

ચેન્નાઈ સુપર કિંગ્સ 2023 ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ છે. ગત મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી CSK એ ક્વોલિફાયર-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવી હતી. પરંતુ, આ મેચમાં ધોનીએ કંઇક એવુ કર્યું હતું, ત્યારબાદ તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે અને તેના પર ફાઇનલ પહેલા બહાર થવાનું જોખમ મંડરાઇ રહ્યું છે. આખરે ધોનીએ ગુજરાત વિરુદ્ધ ક્વોલિફાયર મેચમાં એવુ શું કર્યું કે જેના પર બવાલ થઈ રહી છે. શું છે આખો વિવાદ, તમે પણ જાણી લો.

મહેન્દ્ર સિંહ ધોનીને લઇને જે વિવાદ છે, તેના કેન્દ્રમાં ટીમનો ફાસ્ટ બોલર મથીશા પથિરાના છે. ગુજરાત વિરુદ્ધ ક્વોલિફાયર-1માં મથીશા ઇજાના કારણે મેદાનમાંથી 8 મિનિટ કરતા વધુ બહાર રહ્યો હતો. તે જ્યારે પાછો આવ્યો તો તરત ધોનીએ તેની પાસે બીજી ઓવર કરાવવા માટે બોલ પકડાવી દીધો. આ ઘટના ગુજરાતની ઇનિંગની 16મી ઓવરમાં બની હતી. પથિરાના પોતાના સ્પેલની બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. આ જ વાતથી વિવાદની શરૂઆત થઈ. આ દરમિયાન ઘણી મિનિટ સુધી ધોની અને અમ્પાયર વચ્ચે ચર્ચા થતી રહી અને મેચ અટકી રહી. આખરે પથિરાનાએ જ 16મી ઓવર ફેંકી. ધોનીની ચાલ ભલે સફળ રહી. પરંતુ, ઘણા પૂર્વ દિગ્ગજોએ ધોનીની સાથોસાથ અમ્પાયરોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા.

IPLની પ્લેઇંગ કંડિશન અનુસાર, એક ખેલાડી જે આંતરિક ઇજાને પગલે મેદાન છોડે છે- અથવા કોઈ અન્ય કારણોસર 8 મિનિટ કરતા વધુ સમય સુધી મેદાનમાંથી બહાર જાય છે તો પાછા આવવા પર બોલિંગની પરવાનગી મળતા પહેલા તેણે એટલો જ સમય મેદાન પર વીતાવવો પડશે. જણાવી દઇએ કે, મથીશા પથિરાના ગુજરાતની ઇનિંગની 12મી ઓવર ફેંક્યા બાદ સારવાર માટે મેદાનમાંથી બહાર ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો તો ધોનીએ તેને 16મી ઓવર ફેંકવા માટે કહ્યું. ત્યારે ગુજરાતે 6 વિકેટના નુકસાન પર 102 રન બનાવી લીધા હતા અને ગુજરાતને 71 રનની જરૂર હતી.

ઈએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની ફીલ્ડ સેટ કરી રહ્યો હતો. ત્યારે તેણે જોયુ કે, અમ્પાયર અનિલ ચૌધરી મથીશા પથિરાના સાથે વાત કરી રહ્યા હતા. ત્યારબાદ ધોની સક્વેર લેગ પર ઊભા અમ્પાયર ક્રિસ ગેફની પાસે ગયો અને એ જાણકારી લીધી કે, અમ્પાયર તેના બોલર સાથે શું વાત કરી રહ્યા છે. આ દરમિયાન કોમેન્ટેટર્સે જણાવ્યું કે, પથિરાના આશરે 9 મિનિટ મેદાનમાંથી બહાર રહ્યો હતો તો ચર્ચા એ વાતને લઇને થઈ રહી હતી કે, શું પથિરાના બોલિંગ કરી શકે છે કે નહીં.

રિપોર્ટ અનુસાર, ધોનીની મેચ ઓફિશિયલ્સ અને અમ્પાયરે એ જાણકારી આપી કે, નિયમો અંતર્ગત પથિરાનાએ બોલિંગ કરતા પહેલા થોડો સમય રાહ જોવી પડશે. જોકે, ધોનીએ એ વાતને લઇને ચર્ચા કરી કે તેની પાસે પથિરાના પાસે બોલિંગ કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે, દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને મહીશ તીક્ષ્ણા પોતાના કોટાની 4 ઓવર ફેંકી ચુક્યા છે. વાતચીત દરમિયાન, મેચ અટકી રહી અને 4-5 મિનિટનો સમય વીતી ગયો. ત્યારબાદ, પથિરાનાને બોલિંગની પરવાનગી આપવામાં આવી અને ધોનીનું કામ થઈ ગયુ. તેણે બીજી ઓવરમાં 13 રન આપ્યા અને પછી બીજી ઓવરમાં વિજય શંકરને આઉટ કરી દીધો.

આ સવાલ હજુ પણ પૂછાઈ રહ્યો છે કે, શું અમ્પાયરે અનુચિત ગેમ કાયદો, 41.9 અંતર્ગત CSK ને સજા આપવા અંગે વિચાર્યું, જે ફીલ્ડિંગ દરમિયાન સમય બરબાદ કરવા સાથે સંકળાયેલો છે. આ નિયમ અનુસાર, એવુ કરવા પર અમ્પાયરે ફીલ્ડિંગ ટીમને પહેલી અને ફાઇનલ ચેતવણી જાહેર કરવાની હોય છે અને જો તેમને લાગે કે, ઓવર દરમિયાન જાણીજોઈને સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે, તો ફરીવાર એવુ કરવા પર ફીલ્ડિંગ ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવી દેવામાં આવે છે અને બોલરને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જોકે, નિયમનું ઉલ્લંઘન થયુ છે કે નહીં, તે અમ્પાયર નક્કી કરે છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે ધોની અને અમ્પાયરો પર સવાલ ઉઠાવતા ટ્વિટ કર્યું છે. હોગે લખ્યું, ધોનીએ પોતાની હાજરીનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 4 મિનિટ સુધી અમ્પાયરને પોતાની વાતોમાં પરોવીને રાખ્યા. જેથી તે પથિરાના પાસે 16મી ઓવર કરાવી શકે. અમ્પાયરે સ્થિતિ પોતાના હાથમાં રાખવી જોઈતી હતી. પરંતુ, તેઓ હસી રહ્યા હતા, જે યોગ્ય નથી. ત્યારબાદથી એ વાતચીત થઈ રહી છે કે, ધોનીએ જાણીજોઈને સમય બરબાદ કર્યો અને તેના પર દંડ લગાવવામાં આવી શકે છે અથવા કડક કાર્યવાહી કરતા ફાઇનલ મેચ માટે બેન કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp