વર્લ્ડ કપ, ટેસ્ટ ચેમ્પિયનશીપ, 2023મા ભારતીય ટીમની સામે હશે આ 5 મોટી ચેલેન્જ

PC: cricfit.com

2023મા શ્રીલંકા સામે ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે અને T20 સીરિઝ અને વન-ડે સીરિઝ જીતી લીધી છે. જોવા જઈએ તો ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2022 કંઈ ખાસ રહ્યું નથી. એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રોહિત બ્રિગેડ મહત્વની તકો પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. હવે ભારતીય ટીમ નવા વર્ષ એટલે કે 2023માં પાછળની કડવી યાદો અને ભૂલોને ભુલીને સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.

જોકે ભારતીય ટીમ માટે 2023નું વર્ષ પણ સરળ રહેવાનું નથી. ટીમ ઈન્ડિયા માટે ઘણી ચેલેન્જો રસ્તામાં આવવાની છે. ટીમ ઈન્ડિયાને વર્ષ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પહેલા સત્રના ફાઈનલમાં ન્યુઝીલેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ ફરીથી એક વખત ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ચાર મેચમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી સીરિઝ જીતી લે છે તો તે સરળતાથી ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. આ ફાઈનલ મેચ ઓવલમાં જૂન મહિનામાં રમાવાની છે.

T20 ક્રિકેટમાં બદલાવ

ભારતે 2007માં પોતાના ઉદ્દઘાટન સીઝનની સફળતા પછી T20 વર્લ્ડ કપ જીત્યો નથી. વર્ષ 2021 અને 2022ના T20 વર્લ્ડ કપમાં તો ભારતીય ટીમ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણી દૂર રહી હતી. તેવામાં ભારતીય T20 ટીમમાં ઘણા સુધારા કરવાની જરૂર છે. BCCI એક નવા કેપ્ટન પર વિચાર કરી રહી છે, જ્યારે આ ફોર્મેટ માટે અલગ કોચ પણ એજન્ડામાં છે. આશા કરવામાં આવી રહી છે કે હાર્દિક પંડ્યા આ બદલાવની આગેવાની કરશે, જેમાં સીનિયર્સ ખેલાડીઓના બદલે યુવાન ખેલાડીઓને સામેલ કરવામાં આવશે.

2023 વનડે વર્લ્ડ કપ

ભારત આગામી વર્ષે ઓક્ટોબરના અંતમાં વનડે વર્લ્ડ કપની મેજબાની કરવાનું છે. વનડે વર્લ્ડ કપ 12 વર્ષ પછી ભારતમાં કમબેક કરી રહ્યું છે. છેલ્લી વખત એમએસ ધોનીની આગેવાનીમાં ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. તેવામાં ફરીથી એક વખત ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં સારું પ્રદર્શન કરે તેવી આશા કરવામાં આવી રહી છે. ભારતે 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પછી કોઈ પણ ICC ખિતાબ પોતાના નામ પર કર્યો નથી અને 2023માં તેને તોડવાની પૂરતી તક ટીમ ઈન્ડિયા પાસે છે.

સીનિયર ખેલાડીઓનું ભવિષ્ય

વિરાટ કોહલી, રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની ઉંમર હવે 30થી વધારે થઈ ગઈ છે. કોહલી-રોહિત, ભુવી અને શમીએ સતત બે T20 વર્લ્ડ કપ રમ્યા છે. જ્યારે રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે 2022 ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વાઈસ કેપ્ટનના રૂપમાં કેએલ રાહુલે ટોપ ઓર્ડરમાં બની રહેવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. જ્યારે અશ્વિન અને દિનેશ કાર્તિક પણ હજુ T20માંથી રિટાયર થયા નથી. સીનિયર ખેલાડીઓના ભવિષ્યને લઈને નવા વર્ષમાં બીસીસીઆઈ શું નિર્ણય લેશે તેની પર સૌની નજર ટકેલી છે.

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રતિદ્વંદ્વીતા છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘણી વધેલી જોવા મળી છે. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની જમીન પર ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચ રમવા માટે આવી રહી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય ટીમ માટે આ સીરિઝ ઘણી મહત્વની છે. સાથે જ ભારત પર પોતાનો સ્થાનિક રેકોર્ડ પણ કાયમ રાખવા માટેનું દબાણ રહેશે. ઓસ્ટ્રેલિયા 2004 પછી ભારતમાં કોઈ સીરિઝ જીતી નથી. તેવામાં પેન્ટ કમિન્સની આગેવાનીવાળી ટીમ અત્યારથી જ આ ચાર ટેસ્ટની સીરિઝ પર નજર રાખીને બેઠી છે. ભારતને જીત હાંસલ કરવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp