પિતાએ કહ્યું અભ્યાસ કર, પુત્ર ક્રિકેટ પર અડગ રહ્યો,તે ગુજરાત માટે મેચ વિનર બન્યો

PC: sportstar.thehindu.com

મંગળવારે, 25 એપ્રિલના રોજ, IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે સ્કોરબોર્ડ પર 207 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ જ્યાં સુધી કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવ જેવા મજબૂત ખેલાડીઓ મેદાન પર હાજર હતા ત્યાં સુધી મુંબઈની આશા જીવંત હતી. પરંતુ IPLની સૌથી સફળ ટીમની આ આશાઓ માત્ર 18 વર્ષના લેગ-સ્પિનર નૂર અહેમદે બરબાદ કરી દીધી.

નૂરે પોતાના ભાગે આવતી ચાર ઓવરમાં 37 રન આપ્યા હતા. પરંતુ તેણે મુંબઈ ઈન્ડિયન્સના ત્રણ ખતરનાક બેટ્સમેનોની વિકેટ લીધી હતી. સૌથી પહેલા તેણે મેદાન પર રમતમાં સેટ થઇ ગયેલા કેમરન ગ્રીનને બોલ્ડ કર્યો. આ જ ઓવરમાં તેણે ખાતું ખોલાવ્યા વિના ટિમ ડેવિડને આઉટ કરી દીધો. જ્યારે થોડા સમય બાદ તેણે ખતરનાક દેખાઈ રહેલા સૂર્યકુમાર યાદવને કોટ અને બોલ્ડ કરીને મુંબઈના મિડલ ઓર્ડરની કમર તોડી નાખી હતી. હવે આ નૂર અહેમદ કોણ છે? આવો, અમે તમને જણાવીએ...

નૂર અહેમદનો જન્મ 3 જાન્યુઆરી 2005ના રોજ લાકન ગામમાં થયો હતો. જે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં આવે છે. નૂરે માત્ર ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ તેમના ભાઈ એજાઝ સાથે ક્રિકેટ રમતા હતા. આ દરમિયાન તેણે ટેપ બોલથી રમવાનું શરૂ કર્યું. બાળપણમાં તેમની બોલિંગ જોઈને તેમના ભાઈ એજાઝ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. બીજી તરફ જ્યારે નૂરે રાશિદ ખાનને બોલિંગ કરતા જોયો ત્યારે તેણે લેગ સ્પિનર બનવાનો નિર્ણય કર્યો. આવી સ્થિતિમાં તેણે લેગ સ્પિન બોલિંગ કરવાનું શરૂ કર્યું.

નૂર અભ્યાસમાં ખૂબ સારો હતો અને તે સ્કૂલનો ટોપર પણ હતો. આવી સ્થિતિમાં તેના પિતા મોહમ્મદ આમીરે તેને ક્રિકેટને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું. જો કે, આ સમય દરમિયાન એજાઝે નૂરને ખૂબ ટેકો આપ્યો અને તેણે તેના પિતાને નૂરને તેના જુસ્સાને અનુસરવા અને તેને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે સમજાવ્યા. કારણ કે, તેની પાસે ઘણી પ્રતિભા છે અને તે દેશ માટે રમી શકે છે. ત્યાર પછી નૂરના પિતા રાજી થઈ ગયા.

નૂરના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તેના વિસ્તારમાં માત્ર એક જ ક્રિકેટ એકેડમી હતી. જો કે, તે તેના ઘરથી દૂર ન હતી. આ કારણે તેને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. નૂરે ત્યાં સખત મહેનત કરી અને આજે આ સ્થાન સુધી પહોંચવામાં સફળ રહ્યો.

નૂરે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ફર્સ્ટ ક્લાસ મેચોમાં 21 વિકેટ, 9 લિસ્ટ મેચોમાં 16 અને 53 T20 મેચોમાં કુલ 52 વિકેટ ઝડપી છે. ત્યાર પછી તેને રાષ્ટ્રીય ટીમ તરફથી ફોન આવ્યો હતો. નૂરે 14 જૂન 2022ના રોજ ઝિમ્બાબ્વે સામેની T20I મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં તેણે માત્ર 10 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ત્યાર પછી તેને વનડે ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે 30 નવેમ્બર 2022ના રોજ શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. નૂર અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે એક T20I અને એક ODI રમી ચૂક્યો છે.

નૂરની પ્રતિભા જોઈને ગુજરાતની ટીમે તેને મિની-ઓક્શનમાં સામેલ કરવાનું નક્કી કર્યું. ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મીની હરાજીમાં, ગુજરાત ટાઇટન્સે તેને રૂ. 30 લાખની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. તેને રાજસ્થાન સામે 16 એપ્રિલ 2023ના રોજ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યૂ કરવાની તક મળી. જેમાં તેણે 2.2 ઓવર નાંખી અને 29 રનમાં સંજુ સેમસનની વિકેટ લીધી. આ પછી તેને લખનઉ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યાં તેણે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી અને હવે નૂર, રાશિદ ખાનની સાથે ગુજરાતની ટીમ માટે મહત્ત્વનું હથિયાર બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp