અમદાવાદ સ્ટેડિયમમાં IPL ફાઇનલ દરમિયાન પોલીસને માર મારતી મહિલાનો વીડિયો વાયરલ

PC: daily-bangladesh.com

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023ની ફાઇનલ મેચ ઘણા બધા કારણોસર યાદગાર બની ગઈ છે.  CSKએ આ મેચમાં રોમાંચક જીત સાથે પાંચમીવાર IPL ટ્રોફી પોતાના નામે કરી છે. દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમા એક મહિલા અને પોલીસકર્મી વચ્ચે મારામારી થતી દેખાઈ રહી છે. મહિલાએ પોલીસકર્મી સાથે મારામારી શા માટે કરી, તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસકર્મી નશામાં હતો. આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. પરંતુ, વરસાદને પગલે આ મેચ ના રમાઈ શકી. આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલી મહિલાએ પોલીસકર્મીને માર માર્યો હતો.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ફેન્સ પોતાની સીટ પર બેઠા છે અને મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. અચાનક મહિલા પોતાની સીટ પરથી ઊભી થાય છે અને પોલીસકર્મીને ધક્કો મારે છે અને તે આગળની સીટ પર પડી જાય છે. પછી તે ઊભો થાય છે અને ચૂપચાપ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરે છે. પરંતુ, મહિલા તેને ફરી ધક્કો મારીને નીચે પાડી દે છે. પોલીસકર્મી ઊભો થાય છે અને કોઇને પણ કંઈ પણ કહ્યા વિના ત્યાંથી જવા માંડે છે. મહિલા ફરી તેને પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ, આ વખતે પોલીસકર્મી બચીને નીકળવામાં સફળ થઈ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે કહ્યું કે, આ વીડિયો અમે સોશિયલ મીડિયા પર જોયો છે. એવી આશંકા છે કે, પોલીસકર્મી નશામાં હતો. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ તથ્ય સામે આવશે, તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ પોલીસકર્મી સાથે ગેરવર્તણૂંક શા માટે કરી તેનો ખુલાસો હજુ નથી થઈ શક્યો.

જણાવી દઈએ કે, ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રવિવારે રમાનારી ફાઇનલ મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી અને તેને સોમવારે રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે રમાયેલી IPL 2023ની રોમાંચક ફાઇનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 215 રનના ટાર્ગેટને હાંસલ કરી જીત અને IPL 2023ની ટ્રોફી પોતાના નામે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp