ફૂટબૉલના જાદુગર પેલેનું નિધન, 1279 ગોલ, 3 ફીફા વર્લ્ડ કપ...

PC: mirror.co.uk

બ્રાઝીલના ફૂટબૉલના સ્ટાર ખેલાડી પેલેનું 82 વર્ષની વયે 30 ડિસેમ્બરના રોજ નિધન થઈ ગયું. તેમની દીકરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. પેલેની ગણતરી દુનિયાના સૌથી મહાન ફૂટબૉલરોમાં થાય છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૉસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના મહાન ફૂટબૉલર પેલેને કોલન કેન્સરની બીમારી હતી. પેલેની દીકરી કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટાગ્રામ પર નિધનની જાણકારી આપતા લખ્યું કે, ‘અમે જે કંઈ પણ છીએ તે તમારા કારણે છીએ. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. રેસ્ટ ઇન પીસ.’

પેલેને વર્ષ 2021માં ટ્યૂમરની જાણકારી મળી હતી અને ત્યારથી તેઓ કીમોથેરાપી લઇ રહ્યા હતો. થોડા દિવસ અગાઉ જ બ્રાઝીલના મહાન ફૂટબૉલર પેલેએ આર્જેન્ટિનાના લિયોનલ મેસીને વર્લ્ડ કપ જીતવાની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમણ ફ્રાન્સના ક્લિયન એમ્બાપેને પણ ફાઇનલમાં હેટ્રિક બનાવવા માટે શુભેચ્છા આપી હતી. એક ખેલાડીના રૂપમાં રેકોર્ડ 3 વખત વર્લ્ડ કપ જીતાડનાર પેલેને શ્વાસ સંબંધિત પરેશાની હતી, જેની સારવાર ચાલી રહી હતી. ફૂટબૉલના ખેલાડીના રૂપમાં પેલેનું કરિયર ખૂબ નાની ઉંમરમાં શરૂ થઈ ગયું હતું. પેલેએ 15 વર્ષની ઉંમરમાં સાંતોસ તરફથી ફૂટબૉલ રમવાની શરૂઆત કરી હતી અને 16 વર્ષની ઉંમરમાં બ્રાઝિલની નેશનલ ટીમમાં પેલે સામેલ થઈ ગયા.

પેલેના નામે કેટલાક અનોખા જ રેકોર્ડ જોડાયેલા છે. તેમણે પોતાના કરિયરમાં 1,279 ગોલ કર્યા તો 3 ફિફા વર્લ્ડ કપ જીતવામાં તેઓ સફળ રહ્યા. તેમણે વર્ષ 1956, વર્ષ 1962 અને વર્ષ 1970માં વર્લ્ડ કપ જીત્યો હતો. તેમણે બ્રાઝિલ તરફથી 77 ગોલ કર્યા. તેમના આ રાષ્ટ્રીય રેકોર્ડની હાલમાં વર્લ્ડ કપ દરમિયાન નેમારે બરાબરી કરી હતી. એ સિવાય પેલેએ બ્રાઝિલિયન લીગ ટ્રોફી પોતાના નામે કરી, બે વખત કોપા લિબાર્ટાડોરેસ ટ્રોફી જીતી. દુનિયાના મહાન ફૂટબૉલ ખેલાડીઓમાં ગણાતા પેલેએ પોતાના કરિયરની 1,366 મેચોમાં કુલ 1,281 ગોલ કર્યા. તેમના ગોલ એવરેજ 0.94 પ્રતિ મેચ હતા. જેને ફૂટબૉલ જગતમાં શાનદાર માનવામાં આવે છે. તેઓ દુનિયાના એકમાત્ર ફૂટબૉલ ખેલાડી હતા, જેમણે 3 વખત વર્લ્ડ કપ જીત્યો.

શું હતું પેલેનું અસલી નામ?

પેલેનું અસલી નામ એડસન અરાંતેસ ડો નેસિમેન્ટો હતું, પરંતુ દુનિયાએ તેમાં પેલેના નામથી ઓળખ્યા. તેમનો જન્મ 23 ઓક્ટોબર 1940ના રોજ બ્રાઝીલના ટ્રેસ કોરાકોએસમાં થયો હતો. ફિફા દ્વારાઆ તેમને ‘ધ ગ્રેટેસ્ટ’નું શીર્ષક મળ્યું હતું. પેલેએ પોતાના જીવનમાં 3 લગ્ન કર્યા અને તેમના કુલ 7 સંતાન છે. પેલેના રોસામેરી ડોસ રીસ ચોલ્બી અને અસિરિયા સેક્સાસ લોમોસ સાથેના લગ્નથી 5 બાળકો અને લગ્નની બે દીકરીઓ છે. ત્યારબાદ તેમણે કારોબારી માર્શિયા સિબેલે ઓકી સાથે લગ્ન કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp