કાંડામાં ફ્રેક્ચર થતા હનુમા વિહારીએ ડાબા હાથે બેટિંગ કરી, લોકોએ સલામ કરી

PC: jansatta.com

આંધ્ર પ્રદેશના કેપ્ટન હનુમા વિહારીએ રણજી ટ્રોફીના ચોથા ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મધ્યપ્રદેશ સામે, કાંડામાં ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરીને લાખો લોકોના દિલ જીતી લીધા. મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (ક્વાર્ટર ફાઇનલ મેચનો પહેલો દિવસ) મધ્યપ્રદેશના ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં હનુમા વિહારીને અવેશ ખાનનો બોલ વાગવાથી તેના કાંડામાં ફ્રેક્ચર થયું હતું.

જો કે, હનુમા વિહારીએ ઈન્જેક્શન લીધા પછી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ 37 બોલમાં માત્ર 16 રન જ બનાવી શક્યો હતો, જેને કારણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. હનુમાને સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં તેમની ઈજાના પ્રકારનો ખુલાસો થયો હતો. બીજા દિવસે જ્યારે ટીમનો સ્કોર 9 વિકેટે 353 રન હતો ત્યારે હનુમા વિહારી કાંડામાં ફ્રેક્ચર હોવા છતાં ફરીથી બેટિંગ કરવા આવ્યો હતો. હનુમા વિહારીએ ડાબા હાથે બેટિંગ કરવાનું પસંદ કર્યું, લગભગ માત્ર એક હાથથી જ, કારણ કે શોટ મારતી વખતે તે ઈજાગ્રસ્ત હાથને છોડી દેતો હતો.

હનુમા વિહારીને આ રીતે બેટિંગ કરતા જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. તેની બહાદુરીને દરેક લોકો સલામ કરી રહ્યા છે. દિનેશ કાર્તિકે પણ દ્રઢ નિશ્ચયના આ અનુકરણીય સ્તરને સલામ કરી છે. દિનેશ કાર્તિકે લખ્યું, 'હનુમા વિહારી. ડાબા હાથે બેટિંગ કરવી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, માત્ર એક હાથથી, ટોપ હેન્ડ. એક અલગ સ્તરની બહાદુરી.' કોમેન્ટેટરે પણ હનુમાને લડાયક ખેલાડી તરીકે ગણાવ્યો હતો.

રણજી ટ્રોફીની ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ વચ્ચેની મેચની વાત કરીએ તો, આંધ્રએ 1 ફેબ્રુઆરી, 2023, બુધવારે બીજા દિવસે લંચ સુધી 127 ઓવરમાં 9 વિકેટે 379 રન બનાવ્યા હતા. આંધ્ર તરફથી રિકી ભુઈ અને કિરદન્ત કરણ શિંદેએ સદી ફટકારી હતી.

જ્યારે હનુમા વિહારી જમણા હાથે ફ્રેકચર હોવા છતાં ડાબા હાથે બેટિંગ કરવા આવ્યો ત્યારે આંધ્ર પ્રદેશે નવ વિકેટે 353 રન બનાવ્યા હતા. 29 વર્ષીય હનુમા વિહારીએ અવેશ ખાન અને કુમાર કાર્તિકેયની બોલ પર બે બાઉન્ડ્રી ફટકારીને લંચ બ્રેક પહેલા આંધ્રનો દાવ બગડે નહીં તેની ખાતરી કરી હતી. હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચના પહેલા દિવસે વિહારીને અવેશના બાઉન્સરનો ભોગ બનવું પડ્યું હતું, ત્યારબાદ તે રિટાયર હર્ટ થઈ ગયો હતો. અહેવાલો અનુસાર, મધ્યમ ક્રમનો બેટ્સમેન કાંડાની ઈજાને કારણે ઓછામાં ઓછા પાંચ-છ અઠવાડિયા સુધી રમતના મેદાનની બહાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp