એક જ ઓવરમાં 3 વિકેટ, હરભજન સિંહે ક્રિસ ગેલને કર્યો ક્લીન બોલ્ડ, જુઓ વીડિયો

PC: twitter.com

કતરમાં લિજેન્ડસ લીગ ક્રિકેટ (LLC)માં ઈન્ડિયા મહારાજાસને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ જાયન્ટ્સે શનિવારે રાત્રે ઈન્ડિયા મહારાજાસને 2 રનથી હરાવી દીધી. કેપ્ટન ગૌતમ ગંભીરની સતત બીજી અડધી સદી બેકાર ગઈ. આ અગાઉ ઉદ્દઘાટન મેચમાં શુક્રવારે રાત્રે એશિયા લાયન્સે પણ ઈન્ડિયા મહારાજાસને હરાવી હતી. આ દિલ તોડનારી હાર વચ્ચે હરભજન સિંહની શાનદાર બોલિંગે આખી દુનિયાનું મન મોહી લીધું છે. 2 ઓવરમાં હરભજન સિંહે 13 રન આપીને 4 મોટી વિકેટ લીધી હતી, જેમાં 3 વિકેટ તો એક જ ઓવરમાં આવી.

વર્લ્ડ જાયન્ટ્સના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે ક્રિસ ગેલ સાથે ઇનિંગની શરૂઆત કરી, પરંતુ વેસ્ટ ઈન્ડીઝનો પૂર્વ ઑપનર બેટ્સમેન ઈન્ડિયા મહારાજાસના બોલરોને વધારે નુકસાન ન પહોંચાડી શક્યો કેમ કે અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે તેને ત્રીજી જ ઓવરમાં ક્લીન બોલ્ડ કરી દીધો. લેગ સ્ટમ્પ બહાર ફેકવામાં આવેલા ધીમી ગતિના બૉલને વાઈડ સમજીને ક્રિસ ગેલે છોડી દીધો હતો, પરંતુ શાર્પ ટર્ન લેતા બૉલ સીધો લેગ સ્ટમ્પ્સમાં ભરાઈ ગયો.

4 રન પર ક્રિસ ગેલની ઇનિંગના અંત બાદ હરભજન સિંહને 16મી ઓવરમાં બોલિંગ કરવાનો ચાંસ મળ્યો. તે તેમની બીજી ઓવર હતી, જેના 6 બૉલમાં તેમણે 3 વિકેટ લીધી. પહેલા બૉલ પર આયરલન્ડના બેટ્સમેન કેવિન ઑ બ્રાયન (4)ને મોહમ્મદ કૈફના હાથે કેચ આઉટ કરાવ્યો, ત્યારબાદ ત્રીજા બૉલ પર રોસ ટેલર (1) અને પાંચમા બૉલ પર મોર્ન વેન વીક (1)ને આઉટ કર્યો. આ ઓવરમાં તેમણે માત્ર 2 રન આપ્યા. અહીથી વર્લ્ડ જાયન્ટ્સની રનગતિ પર અંકુશ લાગ્યો. એક સમયે સ્કોર સરળતાથી 200 રનને પાર જાય તેમ લાગી રહ્યું હતું. જે બાદમાં 166 સુધી જ સીમિત રહ્યો.

આ દરમિયાન કેપ્ટન આરોન ફિન્ચે 53, જ્યારે શેન વૉટસને 55 રન બનાવ્યા. ઈન્ડિયા મહારાજાસે 167 રનના લક્ષ્યનો પીછો કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળી શકી. કેપ્ટન ગૌતમ ગંભીર અને રોબિન ઉથપ્પાએ મળીને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ સારી પાર્ટનરશિપ ન થઈ. ગૌતમ ગંભીરે 42 બૉલમાં 68 રન બનાવ્યા. વર્લ્ડ જાયન્ટ્સ તરફથી રિકોર્ડો પોવેલ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp